ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના કરચલિયાપરા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. જૂની અદાવતની દાઝ રાખીને ત્રણ જેટલા શખ્સો હાથમાં તલવાર, ધારિયા અને ધોકા જેવા ઘાતક હથિયારો લઈને સીધા એક મહિલાની કરિયાણાની દુકાને પહોંચી ગયા હતા અને ત્યાં ભારે બબાલ મચાવી હતી.
મહિલા અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી
દુકાન પર ધસી આવેલા કમલ રમેશ મકવાણા, મિહિર પ્રવીણ બારૈયા અને એક અન્ય અજાણ્યા શખ્સ દ્વારા મહિલા અને તેના પુત્રને જાહેરમાં ગાળો બોલીને જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપવામાં આવી હતી. આ સમગ્ર લજ્જાસ્પદ અને ભયાનક ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે આ શખ્સો હાથમાં હથિયારો સાથે આતંક મચાવી રહ્યા છે. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારના રહીશોમાં ભારે ગભરાટ અને ફફડાટ વ્યાપી ગયો છે.
