ગુજરાતમાં ગેરકાયદે ખનીજ ચોરી અને ખનન માફિયાઓ સામે પ્રશાસન દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે ભાવનગરથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખનીજ ચોરો પોલીસ અને વહીવટી તંત્રની રેડથી બચી શકે તે માટે અગાઉથી જ સરકારી અધિકારીઓની હિલચાલ પર નજર રાખનાર એક સક્રિય સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે બાતમીના આધારે સઘન ઓપરેશન હાથ ધરીને અધિકારીઓની વોચ રાખતા 2 શખ્સોને રંગે હાથ ઝડપી લીધા છે, જેનાથી ખનન માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

અધિકારીઓની મુવમેન્ટની આપતા હતા માહિતી

આ સમગ્ર કૌભાંડની વિગતો આપતા તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ કલેક્ટર કચેરીની બહાર બેસીને સરકારી અધિકારીઓની ગાડીઓ અને તેમની મુવમેન્ટ પર સતત વોચ રાખતા હતા. આ માહિતી પહોંચાડવા માટે તેમણે 'જય રામાધણી' નામનું એક ગુપ્ત WhatsApp ગ્રુપ બનાવ્યું હતું, જેમાં ખનીજ ચોરો અને ભુમાફિયાઓ જોડાયેલા હતા. આ ગ્રુપમાં કયો અધિકારી ક્યારે કયા રસ્તે તપાસ માટે નીકળે છે તેની પળપળની વિગતો શેર કરવામાં આવતી હતી. આ સેવા બદલ ગ્રુપના સભ્યો પાસેથી દર મહિને રૂ. 1,000 જેટલી રકમ પણ વસૂલવામાં આવતી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

બે આરોપીઓની અટકાયત

આ ગંભીર પ્રકારના રેકેટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારી દ્વારા સત્તાવાર રીતે નીલમબાગ પોલીસ સ્ટેશન માં કડક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ રેકેટમાં સંડોવાયેલા ભગીરથસિંહ વાળા અને રોહિત રાઠોડ નામના બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ દ્વારા આ ગ્રુપ સાથે જોડાયેલા અન્ય કયા-કયા ભૂમાફિયાઓ અને વાહનો સંકળાયેલા છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને કાનૂની શિકંજો વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Rajkot સોની બજારમાં મેગા ફ્રોડ, 7 કરોડથી વધુનું સોનું લઈને વેપારી ફરાર, A-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ