ભાવનગરના જન્માષ્ટમી લોકમેળામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હજારો લોકોની ભીડ વચ્ચે ધારદાર હથિયારો સાથે અસામાજિક તત્વોનું ટોળું જોવા મળતું હોવાનો દાવો વીડિયોમાં કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, સુનામી રાઈડમાં છરી વડે નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. મેળામાં મોટી સંખ્યામાં પરિવારો અને બાળકોની હાજરી વચ્ચે આવા દૃશ્યો સામે આવતા મુલાકાતીઓની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.

સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ

મેળામાં પોલીસનો મોટો બંદોબસ્ત હોવા છતાં લુખ્ખા તત્વો ધારદાર હથિયારો સાથે અંદર પહોંચ્યા કેવી રીતે તે સૌથી મોટો સવાલ છે. નેતાઓના ડાયરા અને મુખ્ય કાર્યક્રમોની આસપાસ જ પોલીસ બંદોબસ્ત પૂરતો સીમિત રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે મેળાના અન્ય સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કેટલી અસરકારક હતી તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે. જો વાયરલ વીડિયોમાં દેખાતા દૃશ્યો સાચા હોય તો હજારો મુલાકાતીઓની વચ્ચે આવી બેફામ હરકતો સામે પોલીસ અને તંત્રની સતર્કતા સામે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.

જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ

હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે, વાયરલ થયેલા વીડિયોની પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસ કરવામાં આવશે કે કેમ? મેળામાં હથિયારો સાથે ફરતા શખ્સો અંગે યોગ્ય તપાસ કરી તેમની ઓળખ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હજારો મુલાકાતીઓની સુરક્ષા માટે જવાબદાર તંત્રની વ્યવસ્થા અંગે પણ તપાસ થવી જરૂરી બની છે. ખાસ કરીને મેળા જેવા ભીડભાડવાળા સ્થળે સુરક્ષામાં કોઈ ચૂક રહી હોય તો જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચો : Mehsana News : લઠ્ઠાકાંડનો ખૌફ પણ ઓસરી ગયો? ખેરાલુમાં બુટલેગરો બેફામ, ખુલ્લેઆમ દારૂની આપ-લેના Videoથી ખળભળાટ