મહેસાણા જિલ્લાના ખેરાલુમાં દારૂબંધીના કાયદાના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા હોવાના આક્ષેપો વચ્ચે એક વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કેનાલ રોડ વિસ્તારમાં ખુલ્લેઆમ વિદેશી દારૂની બોટલ આપતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં દિવસના અજવાળામાં જ દારૂની બોટલની આપ-લે થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેના પગલે ખેરાલુ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

લઠ્ઠાકાંડ બાદ કાર્યવાહી ક્યાં ગાયબ થઈ? 

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ જિલ્લા પોલીસ દ્વારા થોડા સમય માટે દારૂના અડ્ડાઓ અને બુટલેગરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે હવે ફરી ખેરાલુના કેનાલ રોડ સહિતના વિસ્તારોમાં બેફામ રીતે વિદેશી દારૂનું કથિત વેચાણ થતું હોવાના દાવા સામે આવ્યા છે. દિવસ-રાત દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો વચ્ચે વાયરલ થયેલા વીડિયો (Video)એ પોલીસની કામગીરી અને દારૂબંધીના અમલ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.


વાયરલ વીડિયાથી પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલ

ખેરાલુ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કેનાલ વિસ્તારમાં દારૂનું કથિત વેચાણ ખુલ્લેઆમ થતું હોવાના વીડિયો (Video) વાયરલ થયા બાદ હવે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. જો આવા સ્થળે ખરેખર દારૂનું વેચાણ થઈ રહ્યું હોય તો પોલીસને તેની જાણ કેમ ન થઈ? લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના બાદ પણ બુટલેગરોમાં કાયદાનો કોઈ ખોફ ન હોય તેવા દૃશ્યો સામે આવતાં હવે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો : Bhavnagarમાં દારૂના સેવનથી વધુ એક શંકાસ્પદ મોત, આનંદનગરમાં 48 વર્ષીય ભાવેશ વિસાણીના મોતથી અરેરાટી!