ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના જૂની માણેકવાડી વિસ્તારમાં ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સો દ્વારા બેફામ આતંક મચાવવામાં આવ્યો છે. "હું અહીંયા નો ડોન છું, તારો બાપ છૂટી ગયો" તેવા ઉદ્ધત અને ધાકધમકીભર્યા શબ્દો બોલીને જેલમાંથી બહાર આવતા જ લખન નામના શખ્સે વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો હતો. અગાઉની કોઈ જૂની ફરિયાદની દાઝ રાખીને આ શખ્સે તેના સાગરિત સાથે મળીને એક નિર્દોષ યુવકને ટાર્ગેટ બનાવ્યો હતો અને તેના ઘરની બહાર જઈને જાહેરમાં ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપી હતી.

સમગ્ર ઘટના ઘરના CCTV કેમેરામાં થઈ કેદ

આ ખુલ્લેઆમ ચાલી રહેલી દાદાગીરી અને ધમકીઓનું આખું પ્રકરણ ભોગ બનનાર યુવકના ઘરની બહાર લાગેલા CCTV કેમેરામાં ખૂબ જ સ્પષ્ટપણે કેદ થઈ ગયું છે. આરોપીઓની આ હરકતથી આખો પરિવાર ભયના છાયા હેઠળ જીવી રહ્યો છે. આ મામલે સાજીદભાઈ રાઠોડ-સિપાઈ દ્વારા હિંમત દાખવીને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સકુ મુસ્તાકભાઈ સૈયદ અને લખન કલાભાઈ રાઠોડ સામે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન

ફરિયાદ નોંધાયા બાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ઘટનાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ મેળવીને તેના આધારે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસનું કહેવું છે કે કાયદો હાથમાં લેનાર કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં અને ટૂંક સમયમાં જ બંને આરોપીઓને જેસલમેર ભેગા કરવામાં આવશે. આ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં પણ આરોપીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Morbi News : યુક્રેનની જેલમાં કેદ મોરબીનો સાહિલ, મુક્ત થવાની આશા પરંતુ દૂતાવાસના ઈમેલની રાહ, જાણો સમગ્ર મામલો...