ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામની સીમમાં યોજાયેલી એક દારૂની મહેફિલ માતમમાં ફેરવાઈ ગઈ છે. ઝેરી અને નકલી દારૂ પીવાના કારણે અત્યાર સુધીમાં 7 લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે 18 જેટલા લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

પાર્ટી ફેરવાઇ માતમમાં

સૌથી ચોંકાવનારી વાત એ છે કે પોલીસ ભરતીમાં સિલેક્ટ થયેલા વિશ્વરાજસિંહ ગોહિલ નામના યુવકે પોતાના મિત્રોને ખુશી મનાવવા પાર્ટી આપી હતી, જેમાં મિથેનોલ યુક્ત ઝેરી દારૂ પીવાથી આ મોટી દુર્ઘટના ઘટી છે. ખુશી માટે યોજાયેલી પાર્ટી માતમમાં ફેરવાઇ ગઇ છે.

4 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ 

ઘટના સામે આવતા જ જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ વરતેજ પોલીસ મથકના બીટ જમાદાર અને 3 ડી-સ્ટાફના કર્મચારીઓ સહિત કુલ 4 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. આ ઉપરાંત પોલીસે 21 જેટલા બુટલેગરો સામે નામજોગ ફરિયાદ નોંધીને 13 આરોપીઓની અટકાયત કરી લીધી છે.

https://twitter.com/sandeshnews/status/2090131005432795244  


ગૌતમના ઘેર ચાર શખ્સોએ નકલી દારુ બનાવ્યો 

પોલીસ તપાસમાં અત્યંત ચોંકાવનારા ખુલાસા થયા છે. મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી આવેલા રઈસ, નરેન્દ્રસિંહ યાદવ (ઉર્ફે ડોક્ટર) અને જુબેર નામના શખ્સોએ ભેગા મળીને આ બોગસ દારૂ બનાવ્યો હતો. આ માટેનું રો-મટીરીયલ, મિથેનોલ, ખાલી બોટલો અને ઢાંકણા અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવવામાં આવ્યા હતા. 

નકલી દારૂ બનાવનારનું પણ મોત 

નકલી દારૂ બનાવનાર નરેન્દ્રસિંહે પોતે પણ 17 ઓગસ્ટના રોજ આ દારૂનું સેવન કર્યું હતું, જેના કારણે 18 ઓગસ્ટે તેનું પણ મોત નીપજ્યું હતું. આરોપી ગૌતમે આ પહેલાં પણ 51 પેટી ડુપ્લીકેટ દારૂ બનાવીને વેચ્યો હોવાનું સામે આવ્યું છે.. 


આ પણ વાંચો   :    Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન