ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂ પીવાથી સર્જાયેલી દુર્ઘટના વધુ ગંભીર બની રહી છે. જિલ્લા કલેક્ટર દ્વારા અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 7 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે કુલ 46 લોકો આ ઝેરી દારૂની ઝપેટમાં આવ્યા છે. હાલમાં 39 જેટલા દર્દીઓ ભાવનગરની સિવિલ હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક હજુ વધે તેવી ભીતિ સેવાઈ રહી છે.
એસએમસીની ટીમો 4 રાજ્યોમાં પહોંચી
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ખાસ 'SIT' (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની 8 થી 10 જેટલી અલગ-અલગ ટીમો હાલ મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી અને ગુજરાત સહિતના વિવિધ રાજ્યોમાં દરોડા પાડીને તપાસ ચલાવી રહી છે. મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી અને તેના સાગરીતોએ 25 પેટી નકલી દારૂ બનાવીને સ્થાનિક બુટલેગરોને વેચ્યો હોવાનું સામે આવ્યું છે.
