ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક કે.પી. સ્વામી દ્વારા ઘોઘારોડ પોલીસ મથકમાં રૂ.5 કરોડની ખંડણી અને બ્લેકમેલિંગ અંગે 14 ઓગસ્ટના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસમાં ડૉ. પ્રવીણ ભાલીયા, તેમના પત્ની અને સાળા હિરેન ખેરાળા સામે ગુનો દાખલ કરાયો છે. ફરિયાદમાં જણાવાયા અનુસાર, આરોપી મહિલા અગાઉ આ ગુરુકુળમાં અભ્યાસ કરતી હતી અને ત્યારબાદ 12 વર્ષ પહેલાં એક વર્ષ માટે શિક્ષિકા તરીકે પણ સેવા આપી ચૂકી છે, જેથી કે.પી. સ્વામી સાથે તેમના ઘરે આવવા-જવાનો કૌટુમ્બિક વ્યવહાર હતો.
આક્ષેપો, ધમકી અને પોલીસ કાર્યવાહી
ફરિયાદ મુજબ અગાઉ જુલાઈ મહિનામાં આ બાબતને લઈને મહિલાને રૂ.2 લાખ આપવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ મહિલાના પતિ દ્વારા કે.પી. સ્વામીના WhatsApp નંબર પર મેસેજ કરીને પત્ની સાથેના આડા સંબંધનો આક્ષેપ કરી આત્મહત્યા કરવાની ધમકી આપવામાં આવી હતી. આ મેસેજ મળતાં જ કે.પી. સ્વામીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘોઘારોડ પોલીસે ટેકનિકલ પુરાવાના આધારે તપાસ હાથ ધરી આરોપીઓની અટકાયત કરી હતી અને ગઈકાલે બપોરે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.
