ભાવનગરમાં સર્જાયેલા ઝેરી દારૂના લઠ્ઠાકાંડમાં નવા અને ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. અત્યાર સુધી કુલ 61 લોકો ઝેરી દારૂની અસરનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે વધુ 5 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

2009માં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં થયો હતો લઠ્ઠાકાંડ

અમદાવાદમાં 7 જુલાઈ, 2009ના રોજ થયેલા ગોઝારા લઠ્ઠાકાંડે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. દેશી દારૂમાં મિથેનોલ નામના અત્યંત ઝેરી કેમિકલની ભેળસેળના કારણે કુલ 148 લોકોના મોત થયા હતા, જ્યારે 238 લોકોને ગંભીર અસર પહોંચી હતી. ઘટનાના વર્ષો બાદ હવે તપાસ પંચ દ્વારા કરવામાં આવેલી મહત્વપૂર્ણ ભલામણોનો સંપૂર્ણ અમલ થયો છે કે નહીં, તે મુદ્દે ફરી સવાલો ઊભા થયા છે.

સસ્પેન્શન બાદ તપાસનું નાટક?


લઠ્ઠાકાંડ મામલે LCB ઇન્સ્પેક્ટર સહિત 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. જોકે તપાસ અને સસ્પેન્શનની કાર્યવાહી માત્ર નાટક હોવાના સવાલો ઉઠી રહ્યા છે. અગાઉ પણ સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓ ફરી નોકરી પર પરત ફર્યાના આક્ષેપ વચ્ચે હવે તપાસની પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો સર્જાયા છે.


આરોપીઓ પર પોલીસની નજર નહોતી?


ભાવનગર લઠ્ઠાકાંડ મામલે સ્થાનિક પોલીસની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મુખ્ય આરોપીઓ સામે અનેક ગુનાઓ નોંધાયેલા હોવા છતાં તેમના પર પોલીસ સર્વેલન્સ કેમ નહોતું તે મુદ્દો ચર્ચામાં છે. ગૌતમ સોલંકી સહિત અનેક આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવતાં પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા છે.

લઠ્ઠાકાંડનો ભોગ બનેલો યુવક બ્રેઇન ડેડ


ભાવનગરના ઝેરી દારૂ લઠ્ઠાકાંડની અસર હવે સુરતમાં પણ સામે આવી છે. ઝેરી દારૂ પીધા બાદ સુરત આવેલા મૂળ ભાવનગરના સંજયસિંહ ડોડીયાને મગજને ગંભીર અસર થતાં ત્રણ દિવસથી વેન્ટિલેટર પર સારવાર અપાઈ રહી હતી. તબિયત વધુ નાજુક બનતાં સુરતની ખાનગી હોસ્પિટલમાં યુવકને બ્રેઇન ડેડ જાહેર કરાયો છે.


કેમિકલનો જથ્થો ક્યાંથી લવાયો તે સવાલ


પાળિયાદના આ અવાવરુ સ્થળના દ્રશ્યો સામે આવ્યા બાદ હવે તપાસ એ દિશામાં પણ આગળ વધી શકે છે કે કેમિકલનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કેટલો જથ્થો નાશ કરવામાં આવ્યો અને બીજી વખત બનાવવામાં આવેલા ડુપ્લિકેટ દારૂનું નેટવર્ક ક્યાં સુધી પહોંચ્યું હતું.


https://twitter.com/sandeshnews/status/2090692567935627512 



 અલગ-અલગ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો


આ સમગ્ર કૌભાંડમાં શરૂઆતથી જ બનાવટી દારૂ તૈયાર કરવા માટે અલગ-અલગ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. પ્રથમ તૈયાર કરાયેલ દારૂ યોગ્ય ન બનતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બીજી વખત ડુપ્લિકેટ દારૂ તૈયાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.




Bhavnagar Hooch Tragedy: Visuals Emerge From Site Where Duplicate Liquor Stock Was Destroyed


અવાવરુ સ્થળે કેમિકલ અને ડુપ્લિકેટ દારૂના જથ્થાનો નાશ 


પાળિયાદ ગામના સીમ વિસ્તારમાં આવેલા અવાવરુ સ્થળે કેમિકલ અને ડુપ્લિકેટ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ સ્થળ જતીનના ઘર સાથે જોડાયેલી કડી તરીકે પણ તપાસમાં મહત્વપૂર્ણ બન્યું છે. જ્યાં કેમિકલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, તે સ્થળના દ્રશ્યો હવે સામે આવતા લઠ્ઠાકાંડની તપાસને નવી દિશા મળી શકે છે.


ગૌતમ સોલંકી, રઈસ અને અન્ય વ્યક્તિઓએ મળીને બનાવટી દારૂ તૈયાર કર્યો 


પ્રાપ્ત વિગતો મુજબ, પ્રથમ વખત ગૌતમ સોલંકી, રઈસ અને અન્ય વ્યક્તિઓએ મળીને બનાવટી દારૂ તૈયાર કર્યો હતો. જોકે આ દારૂ યોગ્ય રીતે તૈયાર ન થતાં તેનો ઉપયોગ કે વેચાણ કરવાને બદલે જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

બનાવટી દારૂનો જથ્થો કરાયો નાશ


ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો થયો છે. ગૌતમ સોલંકી અને અન્ય સાગરીતોએ ભેગા મળી પ્રથમ વખત બનાવટી દારૂ તૈયાર કર્યો હતો. દારૂ યોગ્ય ન બનતાં તેનો જથ્થો પાળિયાદ ગામની સીમમાં આવેલી અવાવરું જગ્યાએ મિથેનોલ કેમિકલ સાથે નાશ કરાયો હતો. અત્યાર સુધી લઠ્ઠાકાંડમાં 8 લોકોના મોત થયા છે.


દર્દીઓ પાસે મામલતદાર ટીમ


ભાવનગર લઠ્ઠાકાંડમાં 61 લોકોને ઝેરી દારૂની અસર થતાં તંત્ર હરકતમાં આવ્યું છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ જાણવા મામલતદારની ટીમ દોડી આવી હતી. ટીમે ઝેરી દારૂનું સેવન કરનારા દર્દીઓની માહિતી મેળવી ડોક્ટરો સાથે વાતચીત કરીને તેમની તબિયત અને સારવાર અંગે પૂછપરછ કરી.


રોયલ સ્ટેગની બોટલ પર સવાલ


ભાવનગરના ઝેરી દારૂ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 61 લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે 25 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. દર્દીઓના જણાવ્યા મુજબ મોટાભાગનાએ રોયલ સ્ટેગની બોટલમાંથી દારૂ પીધો હતો. અલગ-અલગ બુટલેગરો પાસેથી રૂ.250થી રૂ.1200માં દારૂ ખરીદાયો હોવાની વિગતો સામે આવી છે.


મોત પાછળ મિથેનોલનું ઝેર!


ભાવનગરના વિદેશી દારૂ લઠ્ઠાકાંડમાં મોતનું કારણ મિથેનોલ હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના ડૉ. પંકજ આખોલિયાના જણાવ્યા મુજબ મૃતકના શરીરમાં 200 એમએલથી વધુ મિથેનોલ મળ્યું હતું. માત્ર 10 એમએલ મિથેનોલ પણ જીવલેણ બની શકે છે, જ્યારે ફોરેન્સિક રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થશે.


10 દર્દીઓની હાલત અત્યંત ગંભીર

હાલ હોસ્પિટલમાં કુલ 25 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 10 દર્દીઓની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે, જ્યારે ગંભીર હાલતમાં રહેલા 10માંથી 5 દર્દીઓની સ્થિતિ વધુ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. દર્દીઓની સંખ્યા સતત વધતાં આરોગ્ય તંત્ર માટે પણ પડકાર ઊભો થયો છે.

13 આરોપીઓ હાલ રિમાન્ડ પર

બીજી તરફ, લઠ્ઠાકાંડ કેસમાં ઝડપાયેલા 13 આરોપીઓ હાલ રિમાન્ડ પર છે અને તેમને 31 ઓગસ્ટ સુધી રિમાન્ડ મળ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલાની તપાસ SMCની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. તપાસના ભાગરૂપે મુખ્ય આરોપી ગૌતમને તેના વરતેજ સ્થિત ઘરે લઈ જઈ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.

300 બોટલ જેટલો બનાવટી દારૂ તૈયાર કર્યો 

તપાસમાં એવી વિગતો સામે આવી છે કે ગૌતમે રઈસ, જુબેર અને મૃતક નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોકટર સાથે મળીને અંદાજે 300 બોટલ જેટલો બનાવટી દારૂ તૈયાર કર્યો હતો. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ બનાવટી દારૂ ક્યાં તૈયાર થયો, કોના મારફતે સપ્લાય થયો અને કેટલા લોકો સુધી પહોંચ્યો હતો.

ફરાર અન્ય 7 આરોપીઓની શોધખોળ 

SMC હવે આ કેસમાં ફરાર અન્ય 7 આરોપીઓ સુધી પહોંચવા માટે પણ કવાયત હાથ ધરશે. તપાસ આગળ વધતાં ઝેરી દારૂના નેટવર્કની વધુ કડીઓ ખુલવાની શક્યતા છે.

પોલીસ તંત્રની ભૂમિકા સામે પણ સવાલો

આ સમગ્ર ઘટનામાં પોલીસ તંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે. LCB ઇન્સ્પેક્ટર સહિત 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે અગાઉ પણ ગંભીર ઘટનાઓ બાદ સસ્પેન્શનની કાર્યવાહી અને ત્યારબાદ અધિકારીઓને ફરી ફરજ પર લેવામાં આવ્યા હોવાના મુદ્દે સવાલો ઉઠતા રહ્યા છે. ત્યારે આ વખતે માત્ર સસ્પેન્શનથી જવાબદારી નક્કી થશે કે લઠ્ઠાકાંડ માટે જવાબદાર તંત્ર સામે કાયમી કાર્યવાહી થશે, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.


આ પણ વાંચો :     Bhavnagar લઠ્ઠાકાંડની તપાસમાં સનસનાટીભર્યા ખુલાસા, આરોપીઓએ 3 વખત ઝેરી દારુ બનાવ્યો પણ.....