ભાવનગરના ચર્ચિત લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે, જેમાં આ ઘટનાનું કનેક્શન છેક દિલ્હી સુધી પહોંચ્યું છે. ઝેરી દારૂ બનાવવામાં વપરાતા મિથેનોલ કેમિકલના સપ્લાયર્સ પર શિકંજો કસતાં SMCએ દિલ્હીથી વધુ 3 આરોપીઓની અટકાયત કરી છે. આ નવી ધરપકડો સાથે જ ભાવનગર લઠ્ઠાકાંડના ગંભીર કેસમાં અત્યાર સુધીમાં જેલભેગા કરાયેલા આરોપીઓનો કુલ આંકડો 31 પર પહોંચી ગયો છે.
મિથેનોલ સપ્લાય કરનાર દિલ્હીના 3 આરોપીઓની ઓળખ છતી થઈ
SMCની ઝીણવટભરી તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે દિલ્હીના રહેવાસી પ્રમોદકુમાર બુડાકોટી, કેશવ જાટવ અને રોહિત પ્રધાન નામના ત્રણ શખ્સોએ આ લઠ્ઠાકાંડ માટે જવાબદાર ઝેરી મિથેનોલ સપ્લાય કર્યું હતું. આ ત્રણેય આરોપીઓએ ગેરકાયદેસર રીતે મિથેનોલનો મોટા પ્રમાણમાં જથ્થો ગુજરાત સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. SMCની ટીમે તમામ ટેકનિકલ અને બાતમી આધારિત પુરાવાઓ એકત્ર કરીને દિલ્હી ખાતેથી આ ત્રણેય મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
