ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ ઊંચે જઈ રહ્યો છે. ચોરી, લૂંટ અને હત્યાના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ભાવનગરના મહુવામાં લૂંટ વિથ મર્ડરનો કેસ સામે આવ્યો છે. મહુવાના કોંજળી ગામમાં લૂંટના ઈરાદે એક વૃદ્ધ મહિલાનું મોઢું અને ગળુ દબાવીને તેની હત્યા કરી દેવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને મહુવા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


કોંજળી ગામે લૂંટના ઇરાદે વૃદ્ધાની હત્યા

ભાવનગરના મહુવા તાલુકાના કોંજળી ગામમાં 85 વર્ષના ઉજીબેન નામના વૃદ્ધાની તેમના જ ઘરમાં કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે. ગત 30 ઓક્ટોબરે રાત્રે તેમની હત્યા કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. વૃદ્ધાના કાનમાં પહેરેલા સોનાના દાગીનાની લૂંટ કરીને હત્યારાઓ ફરાર થઈ ગયા હતાં. મહિલાની હત્યા બાદ તેમનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. જેમાં હત્યાનો ભેદ ખૂલ્યો હતો. મહુવા પોલીસમાં મૃતકના પરિવારજનો દ્વારા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરાઈ છે. મહુવા પોલીસે લૂંટ વીથ મર્ડરનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મહુવા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આ સમગ્ર ઘટના અંગે ડીવાયએસપી રીમાબેન ઝાલાએ જણાવ્યું હતું કે, કોંજળી ગામમાં 85 વર્ષના ઉજીબેન ગામમાં એકલા રહેતા હતાં. તેમના ત્રણ દીકરા હાલ પુના ખાતે રહે છે. ગત 30 ઓક્ટોબરે રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા તેમનું ગળુ અને મોં દબાવીને હત્યા કરી દેવાઈ હતી અને હત્યારાઓ કાનની 6 કળી અને બે બુટ્ટીઓ લૂંટીને ફરાર થઈ ગયા હતાં. મૃતકનું ફોરેન્સિક પીએમ કરાવતા તેમાં સામે આવ્યું હતું કે, મૃતકનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયું છે. પોલીસે સમગ્ર ઘટનામાં હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.


  • Follow us on: