ભાવનગર શહેરમાં જાણે પોલીસનો કોઈ ડર રહ્યો જ ના હોય તેમ હત્યા સહિતના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ગત 25 નવેમ્બરની રાત્રે કરચલીયાપરા વિસ્તારમાં માત્ર પાંચ હજારની લેતી દેતીમાં એક મિત્રએ જ તેના મિત્રને ચાર શખ્સોની મદદથી મેલડી માતાના મંદિર સામે છરીના ઘા મારીને રહેંસી નાંખ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આર્થિક લેવડદેવડને લઈને માથાકૂટ ચાલતી હતી
ભાવનગરના કરચલીયાપરામાં ધનાનગરમા રહેતા મોહિત ટેભાણી મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. તેમને આ જ વિસ્તારમાં રહેતા કાનજી બારૈયા, કાળો કોથમરી, રામ કાળિયો અને આર્યન બારૈયા સાથે આર્થિક લેવડદેવડને લઈને માથાકૂટ ચાલતી હતી. ગત 25 નવેમ્બરની મોડી રાત્રે મોહિત તેના મિત્રો સાથે મેલડી માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં આ ચારેય આરોપીઓએ તેની સાથે ઝઘડો કરીને છરીના ઘા માર્યા હતાં. ત્યાર બાદ તેઓ ફરાર થઈ ગયા હતાં. મોહિતને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.













