ભાવનગરમાં થયેલા ચર્ચિત લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના વડા ગગનદીપ ગંભીરે તપાસ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગગનદીપ ગંભીર છેલ્લા પાંચ દિવસથી પોતે ભાવનગરમાં કેમ્પ કરીને તપાસની કમાન સંભાળી રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે કેસમાં સંડોવાયેલા આરોપીઓથી લઈને સ્થાનિક તંત્રના નાના-મોટા તમામ અધિકારીઓ સુધીના લોકોની તબીબી અને કાનૂની પાસાંઓ પર ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી.

સાહેદોને ગાંધીનગર ધક્કા ન પડે તે માટે સ્થાનિક સ્તરે જ પૂછપરછ કરાઈ

પૂછપરછની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ SMC ચીફે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કેસ સંબંધિત તમામ અગત્યના સાહેદોના નિવેદન લેવાની કામગીરી પૂરી થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું કે, સાહેદો અને અધિકારીઓને ઈન્ક્વાયરી માટે વારંવાર ગાંધીનગર સુધી ધક્કા ખાવા ન પડે તે હેતુથી જ SMC ની ટીમે ભાવનગરમાં રોકાઈને જ સ્થળ પર તમામના સ્ટેટમેન્ટ નોંધવાનો નિર્ણય કર્યો હતો, જેથી તપાસ પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ શકે.

તપાસ કામગીરી પૂર્ણ થતાં હવે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે

તમામ સાહેદોના નિવેદનો દર્જ થઈ ગયા હોવાથી હવે SMC દ્વારા તપાસનો આગળનો તબક્કો શરૂ કરવામાં આવશે. એકત્રિત કરવામાં આવેલા કાગળો, પુરાવાઓ અને નોંધાયેલા સ્ટેટમેન્ટના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ તપાસના આધારે જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરીને કેસને ઝડપથી અંજામ સુધી પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચો : Gandhinagar News : વતન પરત ફરતા જ CM ભૂપેન્દ્ર પટેલ ઉજવશે રક્ષાબંધન, બહેનો પાસેથી મેળવશે સ્નેહ અને આશીર્વાદ