ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારમાં આવેલી આંગણવાડી નંબર 59 (અર્બન 2) ખાતે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં સરકારી યોજના હેઠળ લાભાર્થીઓને એક્સપાયરી ડેટ થઈ ચૂકેલું કઠોળ વિતરણ કરવામાં આવતાં સ્થાનિકોમાં ભારે રોષ અને હોબાળો મચી ગયો છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત અપાતી તુવેરદાળ અને ચણાની વાપરવાની સમયસીમા (Expiry Date) પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, આ જથ્થો વિસ્તારના લાભાર્થીઓને વહેંચી દેવામાં આવ્યો હતો.

સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સગર્ભા અને ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર પૂરો પાડી તેમના તથા તેમના બાળકના આરોગ્યની જાળવણી કરવાનો છે. જોકે, આવી અતિ સંવેદનશીલ યોજનામાં જ એક્સપાયર થઈ ગયેલું કઠોળ આપીને મહિલાઓ અને નવજાત બાળકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં કરવામાં આવ્યા છે. ખરાબ કે સમયસીમા બહારનું અનાજ ખાવાથી આરોગ્ય પર ગંભીર અસરો થવાની ભીતિ હોવાથી લાભાર્થી મહિલાઓ અને પરિવારજનોએ આંગણવાડી ખાતે જઈને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.

ICDS વિભાગ અને રેશન શોપની કામગીરી સામે ઊઠ્યા સવાલો

ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાનગરપાલિકાના આઈસીડીએસ (ICDS) વિભાગ અંતર્ગત શહેરની તમામ આંગણવાડીઓ કાર્યરત હોય છે અને રેશન શોપ મારફતે આ સરકારી ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવે છે. ત્યારે આ ઘટના બાદ સવાલ એ ઊભો થાય છે કે એક્સપાયરી ડેટ વાળો જથ્થો રેશન શોપમાંથી આંગણવાડી સુધી પહોંચ્યો કેવી રીતે અને તંત્ર દ્વારા ચેકિંગ કર્યા વિના જ તેને કેમ વહેંચી દેવાયો? સ્થાનિકો દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Nepal Flood : કૈલાશ માનસરોવર યાત્રાએ નીકળેલું અમદાવાદનું NRI દંપતી ગુમ, મણિનગરમાં પરિવાર ચિંતાતુર