ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે કથિત નકલી (ઝેરી) દારૂ પીવાની દુર્ઘટનામાં ગંભીરતા સતત વધી રહી છે. કથિત ડુપ્લીકેટ દારૂના સેવનથી વધુ 1 વ્યક્તિનું મોત નિપજતાં મૃત્યુઆંક 2 પર પહોંચ્યો છે. જ્યારે અન્ય 19 જેટલા યુવાનોની હાલત લથડતાં તેઓ ભાવનગરની સરકારી સિવિલ હોસ્પિટલ તથા વિવિધ ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.
નાયબ મુખ્યમંત્રીના આદેશ બાદ ખાસ તપાસ કમિટીની રચના
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને નાયબ મુખ્યમંત્રીના આદેશ બાદ ખાસ તપાસ કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ ભાવનગર જિલ્લા પોલીસ વડા સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર ઘટનામાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની કડક સૂચના આપી છે.
એસ.પી. અને રેન્જ આઈ.જી.ને ઘટનાના મૂળ સુધી જવા આદેશ
આ ઉપરાંત જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરિયાએ સમગ્ર દુર્ઘટના અંગે તાત્કાલિક ધોરણે વિગતવાર અહેવાલ માંગ્યો છે. એસ.પી. અને રેન્જ આઈ.જી.ને ઘટનાના મૂળ સુધી પહોંચીને કડક કાનૂની કાર્યવાહી કરવાના સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે.
https://twitter.com/sandeshnews/status/2089970208077406257
દર્દીઓને ઇથેનોલ ની બોટલો ચડાવવામાં આવી રહી છે
બીજી તરફ, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સ્થિતિ સુધારવા માટે તબીબો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. શરીરમાંથી મિથેનોલ ની ઝેરી અસર ઓછી કરવા માટે દર્દીઓને એન્ટિડોટ તરીકે ઇથેનોલ ની બોટલો ચડાવવામાં આવી રહી છે. તબીબી ટીમો તમામ દર્દીઓની ગંભીરતાપૂર્વક દેખરેખ રાખી રહી છે.
આ પણ વાંચો : Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન