ભાવનગરના લક્ઝરી કારના વેપારી સાથે મહિલાએ ફેસબુક ઉપર ફ્રેન્ડશીપ કરી તેને સાળંગપુર ફરવા લઈ જતાં તેના સાગરીતોએ આવી ક્રાઈમ બ્રાંચમાંથી આવતા હોવાની ઓળખ આપીને વેપારીને હનીટ્રેપમાં ફસાવી છોકરીને ભગાડી જતા હોવાનું અને એન્કાઉન્ટર કરી નાખવાની ધમકી આપી 8 લાખની માંગણી કરી રૂા. 3 લાખ પડાવી લીધા હતા જે મામલે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો દાખલ થતા ક્રાઈમ બ્રાંચે સુરત કામરેજના બે શખ્સ અને ફુલસરના મહિલાને ઝડપી પાડ્યા હતા. જ્યારે સુરત, જુનાગઢના શખસોના નામ ખુલવા પામ્યા હતા.
બળજબરીથી 3 લાખ પડાવી લીધા હતા.
બનાવની વિગતો અનુસાર ભાવનગર શહેરના દેવરાજ નગરની સામે બોરતળાવ પોલીસમાં વેપારીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે એક મહિલાએ તેને ફેસબુકમાં ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. તેણે રિક્વેસ્ટ એકસેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે સંપર્ક થયો હતો. મહિલાએ સાળંગપુર જવાની વાત કરતા વેપારી તેની સાથે સાળંગપુર દર્શન કરવા ગયા હતા ત્યાંથી પરત ફરતા અન્ય કારમાં આવેલા બે શખ્સોએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ હોવાની ઓળખ આપી ડ્રગ્સ અને ગાંજા સાથે સંકળાયેલ હોવાનું અને છોકરીને ભગાડી લઈ જતાં હોવાનું કહી ધમકાવી 8 લાખની માંગણી કરી બળજબરીથી 3 લાખ પડાવી લીધા હતા.
રસ્તામાં વેપારીની કાર રોકાવી હતી
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલ શખ્સો ફુલસર, સ્વામી નારાયણ મંદિર પાછળ એક કારમાં બેઠા છે. બાતમી આધારે તપાસ કરતા ધનશ્યામ ઉર્ફે શ્યામ ધીરૂભાઈ લાઠીયા, રાજેશ ભીખાભાઈ કાછડીયા બન્ને કાર સાથે મળી આવતા પોલીસે તેમની અટક કરી લીધી હતી. જ્યારે તપાસ દરમિયાન વિલાસબેન ભીખાભાઈ પુરાણીને ઝડપી લીધા હતા. શખસોની ક્રાઈમ બ્રાંચે પુછપરછ કરતા તેઓ તથા તેના સાગરીતો રમેશ ઉર્ફે કાનો સાગરકા અને નિકુંજ સોલંકી વેપારી સાથે ફેસબુક ઉપર મિત્રતા કેળવી, વેપારી સાથે સાળંગપુર ખાતે દર્શન કરીને પરત આવતા રસ્તામાં વેપારીની કાર રોકાવી હતી.
ત્રણેયને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપાયા
અગાઉ કરેલ પ્લાન મુજબ તેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના માણસો હોવાની ઓળખ આપી ફરીયાદીને ડ્રગ્સ અને ગાંજા સાથે સંકળાયેલ હોવાનું અને છોકરીને ભગાડી લઈ જતાં હોવાનું કહી ધમકાવી તેની સાગરીત મહીલા વિલાસબેનને વેરના કારમાં બેસાડી ફરિયાદીનું એનકાઉન્ટર કરવાની ધમકી આપી 8 લાખની માંગણી કરતાં ફરીયાદી વેપારીએ ગભરાઈ જઈ કુલ 3 લાખની વ્યવસ્થા કરી આપતાં તેની પાસેથી રૂપીયા લઈ વેપારીને છોડીને નાસી રહેલ હોવાની કબુલાત આપી હતી. આ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ત્રણેયને બોરતળાવ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Ahmedabad News : ડબલ અકસ્માત બાદ પણ ઘોર બેદરકારી, ઇસ્કોન બ્રિજ પર અધૂરા સ્પીડ બ્રેકર બન્યા વાહનચાલકો માટે કાળ