ભાવનગર શહેરના જાણીતા અને ફાયરબ્રાન્ડ કોંગ્રેસી નગરસેવક તેમજ એડવોકેટ કિશન મેર અને તેમના પિતા સામે એક ગંભીર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી અક્ષરપાર્ક સોસાયટીમાં બાઈક ચલાવવાની સ્પીડ મુદ્દે અચાનક ઉગ્ર બોલાચાલી અને બબાલ સર્જાઈ હતી, જેણે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

સંજય વાઘેલાની ફરિયાદ અને નગરસેવક પર આક્ષેપ

આ મામલે સંજય વાઘેલા નામના શખ્સ દ્વારા બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કોંગ્રેસી નગરસેવક કિશન મેર અને તેમના પિતા દ્વારા ફરિયાદી સાથે ગાળાગાળી કરવામાં આવી હતી અને બે-ત્રણ થપાટ મારીને મારામારી કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક સ્તરે અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

સામસામે ફરિયાદ, નગરસેવકના પિતા દ્વારા પણ ગુનો દાખલ

આ જ પ્રકરણમાં સામા પક્ષે એટલે કે નગરસેવકના પિતા દ્વારા પણ સંજય વાઘેલા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સેટર ફરિયાદ નોંધાવવામાં આવી છે. સામા પક્ષના આક્ષેપ મુજબ, જ્યારે પરિવારના સભ્યો નાના પૌત્રને ઘરની બહાર રમાડી રહ્યા હતા ત્યારે પૂરઝડપે બાઈક ચલાવવામાં આવી રહી હતી. આ અંગે બાઈક ધીમી ચલાવવાનું કહેતા આરોપીઓએ વિવાદ કર્યો હતો. પોલીસે સંજય વાઘેલા, દશરથ રહાણે અને રાહુલ પરમાર સામે મારામારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આક્ષેપ સાથે ગુનો નોંધ્યો છે.

Bhavnagar News: Congress Corporator Kishan Mer Booked, Cross Complaints Filed Over Speeding Dispute

રાજકીય વર્તુળોમાં ચર્ચા અને પોલીસ તપાસ

એ જ ઘટનામાં સામસામે બે અલગ-અલગ ફરિયાદો નોંધાતા ભાવનગરના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના નગરસેવક કિશન મેર અગાઉ પણ વિવિધ જનહિતના મુદ્દાઓ અને વિરોધ પ્રદર્શનોને કારણે હંમેશાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. હાલ બોરતળાવ પોલીસે બંને પક્ષોની ફરિયાદો નોંધીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક કાનૂની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: Bhavnagar : સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ, ભોગ બનનારને 4 લાખનું વળતર