ભાવનગરમાં ફ્રી મૂવીઝ અને નવી વેબ સિરીઝ જોવાની લાલચે સસરા અને જમાઈને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. ઇન્સ્ટાગ્રામ સ્ક્રૉલ કરતી વખતે એક આકર્ષક જાહેરાત જોવી આ પરિવારને એટલી ભારે પડી કે માત્ર થોડી જ મિનિટોમાં બંનેના પરસેવાની કમાણીના રૂ. 1.22 લાખ ઓનલાઇન ગાયબ થઈ ગયા હતા.
એપ ઇન્સ્ટોલ થતા જ એકાઉન્ટ હેક થયા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભોગ બનનાર સસરા અને જમાઈએ ઇન્સ્ટાગ્રામ પર “ટ્યુબી ટીવી” નામની એક એપ્લિકેશનની એડ જોઈ હતી, જેમાં મફતમાં પ્રીમિયમ મૂવીઝ અને વેબ સિરીઝ જોવાની ઑફર આપવામાં આવી હતી. આ લાલચમાં આવીને બંનેએ પોતાના સ્માર્ટફોનમાં એ લિંક પરથી એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી લીધી હતી. એપ ઇન્સ્ટોલ થતી વખતે મોબાઇલમાં કેટલીક પરમિશન (Permissions) માંગવામાં આવી હતી, જે યુઝર્સે અજાણતા એલો કરી દીધી હતી. આ પરમિશન મળતાની સાથે જ સાયબર માફિયાઓએ બંનેના મોબાઇલ ફોન સંપૂર્ણપણે હેક કરી લીધા હતા.
