રાજ્યમાં નકલીની બોલબાલા વધી રહી હોય તેમ એક બાદ એક નકલી વસ્તુઓ અને કર્મચારી ઝડપાઈ રહ્યા છે. નકલી ઘી, નકલી દારૂ, નકલી પનીર બાદ હવે નકલી પોલીસ કર્મી ઝડપાયો છે. જે કારણે લોકોને હવે અસલી પર પણ શંકા જાય છે. આવામાં ભાવનગરમાં એક નકલી PSI ઝડપાયો છે. આ નકલી પીએસઆઈ મેળામાં મફત રાઈડ્સની મજા માણી રહ્યો હતો, તે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો હતો.

નકલી PSIને ઘોઘારોડ પોલીસે ઝડપી લીધો

ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયેલા લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોકમેળામાં પોલીસ અધિકારીનો રોફ બતાવી રોફ જમાવતા એક નકલી PSIને ઘોઘારોડ પોલીસે સફળતાપૂર્વક ઝડપી લીધો છે. પોલીસની સતર્કતાને કારણે ખોટા આઈકાર્ડના આધારે લોકો અને મેળાવડાના આયોજકો પર રોફ છાંટતો આ નકલી અધિકારી સ્થળ પર જ પકડાઈ ગયો હતો.

મૂળ રત્નકલાકારમાંથી બની બેઠો નકલી PSI

ઝડપાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પકડાયેલા વ્યક્તિનું નામ જગદીશ ડાયાભાઈ મકવાણા છે, જે મૂળ ભાવનગરના ભૂંભલી રામપર ગામનો વતની છે. વ્યવસાયે રત્નકલાકાર તરીકે કામ કરતો આ શખ્સ ખાખી વર્ધી અને હોદ્દાનો દુરુપયોગ કરીને લોકમેળામાં ફરતો હતો. તે ગુજરાત પોલીસના નામનું અંગ્રેજીમાં લખેલું આઈકાર્ડ પોતાની પાસે રાખીને મેળાવડામાં રોફ જમાવતો હતો.


Bhavnagar News: Fake PSI Arrested from Lok Mela by Ghogha Road Police

ગાંધીનગર SITના નામે બનાવ્યું હતું બોગસ આઈકાર્ડ

આ નકલી PSI લોકમેળામાં પ્રવેશીને અલગ-અલગ રાઈડ્સમાં વિના મૂલ્યે બેસવા માટે પોતાના આઈકાર્ડનો ઉપયોગ કરતો હતો. પોલીસે જ્યારે તેની પાસેથી મળેલું આઈકાર્ડ તપાસ્યું ત્યારે મોટો ખુલાસો થયો હતો. આઈકાર્ડમાં મોબીન ઈકબાલભાઈ સોંડાગર નામ લખેલું હતું અને હોદ્દો "પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જિલ્લા યુનિટ, SIT ગાંધીનગર" દર્શાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આઈકાર્ડ પર જન્મ તારીખ તેમજ "સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ, SIT ગાંધીનગર"નો નકલી સિક્કો પણ મારેલો હતો.

Bhavnagar News: Fake PSI Arrested from Lok Mela by Ghogha Road Police

પોલીસે ગુનો નોંધી હાથ ધરી આગળની તપાસ

જેવો આ શખ્સ શંકાસ્પદ જણાતા ઘોઘારોડ પોલીસે તેની ગહન પૂછપરછ કરી, તેવો જ તેનો તમામ ભાંડો ફોડી ગયો હતો. પોલીસે તુરંત જ નકલી PSI જગદીશ મકવાણાની અટકાયત કરી તેની સામે કાયદેસરની ફરિયાદ નોંધી છે. આ શખ્સે આ બોગસ આઈકાર્ડ ક્યાંથી અને કોની પાસે બનાવડાવ્યું હતું તેમજ અગાઉ તેણે આ નકલી આઈકાર્ડનો ઉપયોગ કરીને અન્ય કોઈ ગુના કે છેતરપિંડી આચરી છે કે નહીં તે અંગે ઘોઘારોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: Bhavnagar: લઠ્ઠાકાંડમાં મિથેનોલ સપ્લાયર દિલ્હીના મનજીતસિંઘના 3 દિવસના રિમાન્ડ; 9 આરોપીઓ જેલહવાલે થતાં કુલ 38 જેલ ભેગા