ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા હેઠળ આવેલા બોરડી ગામના વાડી વિસ્તારમાં ગત બે દિવસ પહેલાં એક સિંહણના મોતના અરેરાટીભર્યા સમાચાર સામે આવ્યા હતા. વાડી માલિકે પોતાના મકાઈના પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે વાડીની ફરતે ગેરકાયદે તાર બાંધીને વીજ અર્થિંગ મુક્યો હતો. આ વીજ તારના કરંટની ઝપેટમાં આવી જતાં એશિયાટિક સિંહણનું કરૂણ મોત નીપજ્યું હતું.

ફોરેસ્ટ વિભાગે ગોબર મકવાણાની કરી ધરપકડ

ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગ અને વાઇલ્ડલાઇફ વિભાગની ટીમ તાત્કાલિક બોરડી ગામે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન વાડી માલિક ગોબરભાઈ મકવાણાએ ગેરકાયદે વીજ લાઇન દોડાવી હોવાનું ખુલતાં ફોરેસ્ટ વિભાગે તેમની સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ગણતરીના સમયમાં ધરપકડ કરી હતી.

કોર્ટે જામીન અરજી ફગાવી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો

ધરપકડ બાદ આરોપી ગોબરભાઈ મકવાણાને મહુવા તાલુકાની નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન વાઇલ્ડલાઇફ વિભાગના સરકારી વકીલે ધારદાર દલીલો કરી હતી કે, સિંહ જેવા સંરક્ષિત રાષ્ટ્રીય વન્યજીવનો જીવ લેવો એ અત્યંત ગંભીર ગુનો છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી અને તેને જેલ હવાલે કરવાનો વિધિવત હુકમ કર્યો હતો.

ગેરકાયદે વીજ અર્થિંગ ન લગાવવા વાઇલ્ડલાઇફ વિભાગની અપીલ

આ ઘટના બાદ વાઇલ્ડલાઇફ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્યજીવોની મુક્ત અવરજવર ધરાવતા તમામ ગામોના વાડી માલિકો અને ખેડૂતોને કડક અપીલ કરવામાં આવી છે. વિભાગે જણાવ્યું છે કે, પાકના રક્ષણ માટે ગેરકાયદે વીજ અર્થિંગ મૂકવું એ કાયદાકીય રીતે ગુનો છે. એક વ્યક્તિની આવી ગંભીર બેદરકારીના કારણે એક કિંમતી સિંહણનો જીવ ગયો છે, પરંતુ ભવિષ્યમાં આ પ્રકારે અન્ય કોઈ વન્ય પ્રાણીનો જીવ ન જાય તેની તકેદારી રાખવી અને આવા જોખમી પ્રયોગોથી દૂર રહેવું અત્યંત જરૂરી છે.


આ પણ વાંચો - Bhavnagar: ચાવડીગેટ પોલીસ ચોકી સામે જ યુવક પર છરી-ધારીયા વડે જીવલેણ હુમલો, હાથની નસ કપાઈ જતાં અમદાવાદ ખસેડાયો