ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તા હેઠળ સારવાર લઈ રહેલા હત્યા કેસના આરોપીએ પોલીસની કસ્ટડીમાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જેસર તાલુકાના ભંડારિયા ગામે નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી ભયલુ દેસાઈ સિવિલ હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન પોલીસની નજરથી બચીને નાસી જવાની ફિરાકમાં હતો.આરોપી પોલીસ કર્મચારીઓની નજર ચૂકવીને ભાગવા જતાં અચાનક સિવિલ હોસ્પિટલના પરિસરમાં નીચે ખાબક્યો હતો. હોસ્પિટલના પરિસરમાં નીચે પટકાતાં આરોપી ભયલુ દેસાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ ઘટનાને પગલે ઇજાગ્રસ્ત થયેલા આરોપીને હોસ્પિટલમાં જ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે.
પોલીસ તપાસ દરમિયાન આપઘાતનો પ્રયાસ કરી ચૂક્યો છે
આરોપી ભયલુ દેસાઈ અગાઉ પણ પોલીસ તપાસ દરમિયાન આપઘાતનો પ્રયાસ કરી ચૂક્યો છે.અગાઉ 3 નવેમ્બરના રોજ પોલીસ દ્વારા જ્યારે ડિસ્કવરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે તેણે ઝાડીમાંથી અગાઉથી છુપાવેલી છરી કાઢીને પોતાની જાતે જ મારી લીધી હતી અને આપઘાતની કોશિશ કરી હતી. ડિસ્કવરી પંચનામા વખતે પોતાની જાતે છરી મારીને આપઘાતનો પ્રયાસ કરવાના કારણે ઇજાગ્રસ્ત થયેલા આરોપીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તે પોલીસ જાપ્તામાં સારવાર હેઠળ રખાયો હતો.સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો જેસરના ભંડારિયા ગામનો આ આરોપી પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટવા માટે તકની રાહ જોઈ રહ્યો હતો.
