ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા (Palitana) પંથકમાં માર્ગ અકસ્માતની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. પાલીતાણા તાલુકાના વીરપુર રંડોળા (Virpur Randola) ગામ નજીક એક અજાણ્યા કાર ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવીને બે દ્વિચક્રી વાહનોને જોરદાર અડફેટે લીધા હતા. અજાણ્યા કાર ચાલકે બુલેટ (Bullet) અને બાઈક (Bike) ને અડફેટે લેતા તેના પર સવાર 4 જેટલા લોકોને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયાનો ઈજાગ્રસ્તનો દાવો

આ અકસ્માતની ઘટના બાદ માનવતા નેવે મૂકીને અજાણ્યો કાર ચાલક પોતાની કાર સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનો દાવો ઈજાગ્રસ્ત લોકો દ્વારા કરવામાં આવ્યો છે. અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને રાહદારીઓ તુરંત મદદ માટે દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ઘવાયેલા તમામ 4 ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ યોગ્ય તપાસ કરી કાર ચાલકને પકડે તેવી ઈજાગ્રસ્ત લોકોની માંગ

ઘટનાને પગલે સ્થાનિકો અને ઈજાગ્રસ્તોના પરિવારજનોમાં બેફામ વાહન ચલાવનારા તત્વો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સારવાર હેઠળ રહેલા ઈજાગ્રસ્ત લોકોએ માંગ કરી છે કે પાલીતાણા પોલીસ (Palitana Police) આ સમગ્ર મામલે યોગ્ય અને ઝીણવટભરી તપાસ હાથ ધરીને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા અજાણ્યા કાર ચાલકને વહેલી તકે ઝડપી પાડે અને તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરે.

આ પણ વાંચો : Dwarka News : જામ ખંભાળિયામાં સફાઈ કામદારોના 30 દિવસના આંદોલનનો સુખદ અંત, ધારાસભ્ય મુળુભાઈ બેરાની મધ્યસ્થી રંગ લાવી