ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે સર્જાયેલી નરસંહારની ગંભીર ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ભયાનક અકસ્માત બાદ ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. જેના દ્વારા એસએમસીએ નાગરિકોને જાહેર ચેતવણી અને અપીલ કરી છે.

ચોક્કસ બારકોડ વાળી રોયલ સ્ટેગની બોટલો ન પીવા SMCની અપીલ

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, નકલી દારૂ બનાવતા અસામાજિક તત્વો દ્વારા ચોક્કસ બ્રાન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. SMCએ નાગરિકોને 8901522000665 બારકોડ ધરાવતી 'રોયલ સ્ટેગ' દારૂની બોટલનો ઉપયોગ ન કરવા સ્પષ્ટ સૂચના આપી છે. આ વિશિષ્ટ બારકોડ વાળા દારૂમાં ઝેરી કેમિકલ હોવાની આશંકા હોવાથી તે જીવલેણ સાબિત થઈ શકે છે.

શંકાસ્પદ જથ્થાનો તત્કાળ નાશ કરવા પોલીસ તંત્રની સૂચના

પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિ પાસે 8901522000665 બારકોડ વાળી રોયલ સ્ટેગ દારૂની બોટલ ઉપલબ્ધ હોય તો તેનો પીવામાં ઉપયોગ કરવાને બદલે તુરંત જ નાશ કરી દેવો. આ નકલી જથ્થો કોઈ પણ સંજોગોમાં માનવ વપરાશ માટે અત્યંત જોખમી છે, અને તેનાથી મોટી જાનહાની થવાની શક્યતા છે.

દારૂનું સેવન કર્યું હોય તો તાત્કાલિક સારવાર લેવા વિનંતી

અખબારી યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિએ તાજેતરમાં આ ચોક્કસ બારકોડ ધરાવતો અથવા શંકાસ્પદ રોયલ સ્ટેગ દારૂ પીધો હોય, તો તેમણે કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર તુરંત જ નજીકની હોસ્પિટલ કે સરકારી સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો. સમયસર પ્રાથમિક સારવાર મેળવવાથી દર્દીનો જીવ બચાવી શકાય તેમ છે.

ગુજરાતમાં દારૂબંધીની દયનીય હાલત

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતા ગામે ગામ અને લગભગ તમામ શહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની વાત જગ જાહેર છે. આવામાં પોલીસને દારૂની બ્રાન્ડ અને બારકોડ સાથે અપીલ કરવી એ કેટલી શરમજનક વાત છે. હાલ લોકો પોલીસની કામગીરી અંગે પણ વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. આવામાં જવાબદારો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કડકહાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે, એ રાહતની વાત છે, પણ લોકોના મોઢે એક સવાલ ચોક્કસથી છે, ગુજરાતમાં દારૂબંધી કયા છે?


આ પણ વાંચો - Bhavnagar લઠ્ઠાકાંડ મુદ્દે પોલીસ તંત્રની મોટી કાર્યવાહી, LCB PI મયુરધ્વજસિંહ સરવૈયા સસ્પેન્ડ