ભાવનગરના એસટી બસ સ્ટેન્ડમાં થોડા સમય પહેલાં થયેલી યુવતીની હત્યાના મુખ્ય સાક્ષી રવિ ઉર્ફે બાડો રાજેન્દ્રભાઈ ગોહેલનું હત્યાના મુખ્ય આરોપી ફૈઝલના ભાઈ અને તેની માતાએ અપહરણ કરી તેને ત્રણ દિવસ સુધી ઘરમાં ગોંધી રાખ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેલમાં રહેલા ફૈઝલ દ્વારા ફોન પર કોર્ટમાં તેની વિરુદ્ધ જુબાની ન આપવા માટે સાક્ષીને ધમકી આપવામાં આવી હતી.દરમિયાન કોર્ટમાંથી નીકળેલું સમન્સ બજાવવા માટે પોલીસ રવિની શોધખોળ કરતી અપહરણ કરનાર માતા-પુત્રના ઘરે પહોંચીને પૂછપરછ કરતાં પોલીસના ડરથી રવિને મુક્ત કરવામાં આવ્યો હતો.આ સમગ્ર મામલે છૂટેલા મુખ્ય સાક્ષીએ નિલમબાગ પોલીસ મથકમાં માતા અને પુત્ર વિરુદ્ધ અપહરણ અને ધમકીની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
રીક્ષામાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું
પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરના વડવા જૂની એસબીઆઈ બેન્ક પાસે આવેલ કિશન ફ્લેટમાં રહેતા અને હાલ એસ.ટી.બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા રવિભાઈ ઉર્ફે ભાડો રાજુભાઈ સોલંકીએ નિલમબાગ પોલીસ મથકમાં દીડુ લાખાણી અને શહેનાઝબેન રફીકભાઈ લાખાણી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફૈઝલ ઉર્ફે ખાટકી રફીકભાઈ લાખાણીએ ગત 3 સપ્ટેમ્બરના રોજ શહેરના એસ.ટી.બસ સ્ટેન્ડમાં તેમની માનેલી બહેન કાજલબેનનું હત્યા કરી હોય અને જેની તેને કોર્ટમાં મુદત હોય જેથી તેઓ કોર્ટમાં હાજર ન રહે અને ફૈઝલ વિરુદ્ધમાં જુબાની ન આપે જેને લઈ 24 ઓક્ટોબરના રોજ તેઓ પાનવાડી વિસ્તારમાં નાસ્તો કરવા માટે ગયા હતા ત્યારે ફૈઝલ ઉર્ફે ખાટકીનો ભાઈ દીડુ લાખાણી રીક્ષા લઈને આવી તેને અપશબ્દો આપી બાડા તુ મારી રીક્ષામાં બેસી જા નહીતર ટાંટિયા ભાગી નાખીશ તેમ ધમકી આપી તેને રીક્ષામાં બેસાડી પ્રથમ આડોડીયાવાસમાં લઈ જઈ અને ત્યાંથી વરતેજ તેના ઘરે લઈ ગયા હતા.
