ભુજની સંસ્કાર સ્કૂલમાં અભ્યાસ કરતી સાક્ષી નામની વિદ્યાર્થીની હત્યાના બનાવના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે. કચ્છની તમામ કોલેજમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખી ABVP દ્વારા રેલી યોજી જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું. કચ્છમાં છેલ્લા થોડા દિવસોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં બનેલી ઘટનાઓએ સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી નાખ્યું છે.
આવી ઘટનાઓને પગલે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોમાં ભયનું વાતાવરણ
ભુજની સંસ્કાર કોલેજના કેમ્પસ બહાર એક વિદ્યાર્થીનીની હત્યા, ભુજની વી.ડી. શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી હિંસક મારામારી અને આદિપુરની તોલાણી કોલેજના એક વિદ્યાર્થી દ્વારા પ્રિન્સિપાલ પર હુમલો - આ ત્રણેય ઘટનાઓ શિક્ષણ માટે કલંકરૂપ ગણવામાં આવી રહી છે. આવી ઘટનાઓને પગલે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. સંસ્કાર કોલેજની ઘટનામાં પીડિત પરિવારને ન્યાય મળે અને આરોપી વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવે, તમામ કોલેજો અને શાળાઓમાં સુરક્ષા માટે નિયમિત પેટ્રોલિંગ વધારવા રજુઆત કરવામાં આવી હતી.
કેમ્પસમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી
આ સિવાય મોટા કોલેજ કેમ્પસમાં આવતા જતા લોકોની ઓળખ ચકાસવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી, અજાણ્યા લોકોને કેમ્પસમાં પ્રવેશતા અટકાવવા, કચ્છ યુનિવર્સિટી ખાતે કાયમી પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવે તેમજ કેમ્પસમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. જિલ્લા સ્તરે શૈક્ષણિક સંસ્થાઓમાં બહેનો માટે સ્વરક્ષણની તાલીમ, કાયદાકીય માર્ગદર્શન, સાયબર સુરક્ષા, ગુડ ટચ બૅડ ટચ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે તેવી ABVP દ્વારા માગ કરવામાં આવી છે.