બોટાદ જિલ્લાના ગઢડા પંથકમાં ગત 8 ઓક્ટોબરના રોજ એક યુવક પર થયેલા નિર્મમ હુમલા અને મારામારીના કેસમાં પોલીસે અત્યંત સરાહનીય અને કડક કાર્યવાહી હાથ ધરી છે. આ હુમલાની ઘટનામાં પાટીદાર યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગઢડા પોલીસે ઝડપી તપાસ હાથ ધરી હતી અને ત્રણેય આરોપીઓને ઘટનાસ્થળે રજૂ કરી કાયદાનો ખૌફ ઊભો કર્યો હતો.

પોલીસે આરોપીઓ પાસે ફરિયાદીના ઘર સામે મંગાવી માફી

તપાસના ભાગરૂપે ગઢડા પોલીસે ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરીને હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો સફળતાપૂર્વક કબજે કરી લીધા છે. આ ઉપરાંત, પોલીસે આરોપીઓ દ્વારા જે પ્રકારે અપરાધ આચરવામાં આવ્યો હતો તેનું પ્રત્યક્ષ દર્શન કરાવવા માટે ઘટનાસ્થળે જઈને 'સિન રીકન્સ્ટ્રક્શન' (Crime Scene Reconstruction) કરાવ્યું હતું. એટલું જ નહીં, પોલીસે કાયદાકીય મર્યાદામાં રહીને એક અનુકરણીય પગલું ભરીને ત્રણેય આરોપીઓ પાસે ખુદ ફરિયાદીના ઘરની સામે ઊભા રાખીને જાહેરમાં માફી મંગાવી હતી.

અસામાજિક તત્વોમાં ફફડાટ

પોલીસની આ આકરી અને ત્વરિત કાર્યવાહીના કારણે ગઢડા વિસ્તારના અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય જનતામાં પોલીસની આ કામગીરીને લઈને સંતોષની લાગણી ફેલાઈ છે અને ન્યાય મળવાની ભાવના મજબૂત બની છે. ગઢડા પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે કાયદો હાથમાં લેનારા કોઈપણ શખ્સને બક્ષવામાં આવશે નહીં.

આ પણ વાંચો : Bhavnagarના ગારીયાધારમાં જૂની અદાવતમાં હત્યા, વિરડી ગામના આણંદભાઈ કંટારીયા પર 5 શખ્સોનો ખૂની હુમલો!