ગુજરાતના દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના હરિપુર ગામના જંગલ વિસ્તારમાં એક યુવક અને સગીરાએ પ્રેમસંબંધના અસ્વીકારથી કંટાળીને રવિવારે સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ લાઈવ સ્ટ્રીમિંગ કરીને ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને 50 લોકો ઈન્સ્ટાગ્રામ પર લાઈવ જોઈ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. બંને મૃતકોના મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાના આધારે ઘટનાનું ચોક્કસ કારણ જાણવા મળશે.
બંને યુગલ વચ્ચે પ્રેમ સંબંધ હતો
પોલીસના જણાવ્યા અનુસાર, 22 વર્ષીય યુવક અને 16 વર્ષની સગીરા વચ્ચે પ્રેમસંબંધ હતો અને તેઓ એક જ સમુદાય તથા સમાન અટક ધરાવતા હોવાથી થોડા દિવસ પહેલાં યુવકે માતા-પિતા પાસે જઈને લગ્ન કરવાની મંજૂરી માંગી હતી.પરંતુ પરિવારજનોએ પુત્રના પ્રેમસંબંધ સામે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.પરિવારના વિરોધથી પરેશાન થઈને રવિવારે સવારે આ બંને જણા લીમખેડા તાલુકાથી સિંગવડના હરિપુર જંગલમાં પહોંચ્યા હતા.જ્યાં યુવકે ઇન્સ્ટાગ્રામ લાઈવ શરૂ કરીને ઝાડની ડાળી પર કાપડ બાંધ્યું હતું. ત્યાર બાદ બંને જણાએ જીવન ટૂંકાવ્યું હતું.
