જામનગર પાસે નાઘોડી ગામ પાસે સ્થિત GIDC વિસ્તારમાં દારુ ઉતરી રહ્યો હોવાની બાતમીને આધારે SMCની ટીમે દરોડા પાડ્યા હતાં. આ દરોડામાં દારૂના કટિંગનો પર્દાફાશ કરી SMCની ટીમે 3.37 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. SMC દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીના છેક ઉપર સુધી પડઘા પડતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જિલ્લા એસપી એક્શનમાં આવી જતાં PSI સહિતના આઠ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરીને તેમની જિલ્લાફેર બદલી કરી દેવાનો આદેશ કરાયો છે.
કૂલ નવ લોકોની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું
જામનગરના નાઘોડી ગામ પાસે સ્થિત GIDCમાં દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની બાતમી મળતાં જ SMCની ટીમે દરોડા પાડ્યા હતાં. જેમાં 3.37 કરોડની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની 20 હજારથી વધુ બોટલ જપ્ત કરી હતી. આ ઉપરાંત બે ટ્રક અને મોટર સાયકલ સહિત પાંચ વાહનો પણ કબજે કર્યા હતાં. આ દરોડા દરમિયાન SMCની ટીમે બે શખ્સોની ધરપકડ પણ કરી હતી. આ દારૂના કટિંગમાં કૂલ નવ લોકોની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું હતું. જામનગરના નાઘોડી ગામનો વિસ્તાર પંચકોશી- બી પોલીસ મથકની હદમાં આવતો હોવાથી જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા હવે એક્શન શરૂ કરાયા છે.
