દાહોદના ગોધરા રોડ સ્થિત મુવાલીયા ચોકડી પાસે થયેલી બબાલ અને પોલીસ પરના હુમલા મામલે મોટો ખુલાસો થયો છે. સમગ્ર ઘટના અંગે માહિતી આપતા DYSPએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP)ના આગેવાનો ડીજે (DJ) લઈને આવ્યા હતા. તેમણે ડીજે અને પોતાના ખાનગી વાહનો રસ્તા પર આડા મૂકીને વાહનવ્યવહારનો માર્ગ સંપૂર્ણપણે બ્લોક કરી દીધો હતો, જેના કારણે વિવાદની શરૂઆત થઈ હતી.

ચૈતર વસાવાના બેનરો અને લોકોને ઉશ્કેર્યાનો આક્ષેપ

DYSPના જણાવ્યા અનુસાર, આપના નેતાઓ અને કાર્યકરો આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાના બેનરો સાથે ડીજે લઈને આવ્યા હતા. રસ્તો બ્લોક કર્યા બાદ પોલીસે પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યાં એકત્રિત થયેલા લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા. લોકોને ઉશ્કેરીને પોલીસ ટીમ પર સીધો પથ્થરમારો કરાવવામાં આવ્યો હતો, જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હતી.

વીડિયો ફૂટેજના આધારે પોલીસે તપાસ તેજ કરી

પોલીસ પર થયેલા આ હિંસક હુમલા અને પથ્થરમારાની ઘટનાને સરકારે અને પોલીસ વિભાગે અત્યંત ગંભીરતાથી લીધી છે. હાલમાં પોલીસે ઘટનાસ્થળના તથા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉશ્કેરણી કરનાર અને પથ્થરમારો કરનાર તમામ અસામાજિક તત્વો તથા આગેવાનોની ઓળખ કરીને તેમની સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.

આ પણ વાંચો : Dahod News : ગોધરા રોડ પર આદિવાસી દિવસની ઉજવણીમાં પથ્થરમારો, પોલીસનો કાફલો ખડકાયો