દાહોદ જિલ્લાના સુખસર પંથકમાંથી સામે આવી છે. સુખસર તાલુકાના નીંદકા પૂર્વ ગામે મોડી રાત્રે ઇંગ્લિશ દારૂ ભરીને પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક તૂફાન ગાડીએ માર્ગ પરથી પસાર થતા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. આ ભયંકર અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોના કુરચા ઉડી ગયા હતા. નીંદકા પૂર્વ તળાવ પાસે બનેલી આ ઘટનાને પગલે મોડી રાત્રે સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ઇજાગ્રસ્ત ટ્રેક્ટર ચાલકની હાલત ગંભીર

આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તે ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં તરફડી રહ્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી ઇજાગ્રસ્ત ટ્રેક્ટર ચાલકને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગાડી મૂકી બુટલેગર રફુચક્કર, પોલીસ તપાસ શરૂ

બીજી તરફ, અકસ્માત સર્જાતા જ તૂફાન કારનો ચાલક અને તેનો સાગરીત પકડાઈ જવાની બીકે દારૂથી ખિચોખિચ ભરેલી ગાડી ઘટનાસ્થળે જ રેઢી મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. સ્થાનિક લોકોએ જ્યારે કારની અંદર જોયું ત્યારે તેમાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) ભરેલો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સુખસર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનો અને લાખોની કિંમતનો દારૂનો જથ્થો કબજે લીધો છે. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવાનો હતો, તેમજ ફરાર થઈ ગયેલા તૂફાન ચાલકની ધરપકડ કરવા માટે પોલીસે નાકાબંધી કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Porbanadar: મેયર સાગર મોદીએ સરકારી બંગલો અને ગાડી વાપરવાનો કર્યો ઇનકાર