: સામાન્ય રીતે રાજકારણમાં પદ અને સત્તા મળતાની સાથે જ વૈભવી સરકારી ગાડીઓ, બંગલા અને સુરક્ષા કર્મચારીઓનો કાફલો મેળવવા માટે હોડ જામતી હોય છે. પરંતુ સુદામા નગરી પોરબંદરમાં આનાથી બિલકુલ ઉલટો અને અત્યંત સરાહનીય કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોરબંદરના મેયર સાગર મોદીએ સત્તાના ભોગવટાથી દૂર રહીને શાસનમાં પારદર્શિતા અને સાદગી લાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.

પોરબંદરમાં નેતાગીરીની નવી મિસાલ

મેયર સાગર મોદીએ સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું છે કે, તેઓ સરકાર તરફથી મેયર પદના પ્રોટોકોલ હેઠળ મળતા સરકારી આવાસ (બંગલો) નો સ્વીકાર નહીં કરે. આ ઉપરાંત, તેઓ દૈનિક અવરજવર કે સરકારી કામકાજ માટે પણ ફાળવવામાં આવતા સત્તાવાર સરકારી વાહન (ગાડી) નો ઉપયોગ કરવાના નથી. તેઓ પોતાના અંગત વાહન અને સંસાધનો દ્વારા જ નગરપાલિકાની ફરજો બજાવશે.

જનહિત અને લોકકલ્યાણને આપી પ્રાથમિકતા

આ અનોખા નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સમજાવતા મેયરે જણાવ્યું હતું કે, સરકારી બંગલા અને મોંઘીદાટ ગાડીઓના નિભાવ પાછળ જનતાના ટેક્સના લાખો રૂપિયા ખર્ચ થતા હોય છે. આ સવલતો સ્વેચ્છાએ જતી કરવાથી જે આર્થિક બચત થશે, તેનો સીધો ઉપયોગ પોરબંદરના સ્થાનિક વિસ્તારના વિકાસ કામો, રોડ-રસ્તા, પાણીની સુવિધા અને ગરીબ કલ્યાણની યોજનાઓમાં કરવામાં આવશે. મેયરના આ નિર્ણયથી વહીવટી તંત્રમાં પણ સકારાત્મક સંદેશ ગયો છે. પ્રજાના પ્રતિનિધિ તરીકે સાચી લોકસેવા કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા બદલ સમગ્ર પોરબંદર પંથકના નાગરિકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા મેયર સાગર મોદીની આ પહેલને બિરદાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Anand: ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ઝરમર વરસાદ, ગરમીથી નાગરિકોને મળી મોટી રાહત