આણંદ જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે આજે વહેલી સવારે ચરોતરવાસીઓને મોટી રાહત મળી છે. આણંદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં તેજ પવનના સુસવાટા અને ગાજવીજ સાથે પ્રી-મોન્સૂન વરસાદનું આગમન થયું છે. વહેલી સવારથી જ શરૂ થયેલા ઝરમર વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં ઠંડો પવન ફૂંકાવા લાગ્યો છે અને વાતાવરણ ખુશનુમા બની ગયું છે.
ગરમીથી રાહત પણ વીજળી ગુલ
આ વરસાદી માહોલને કારણે લોકોને ગરમીથી ચોક્કસ રાહત મળી છે, પરંતુ વહેલી સવારે ફૂંકાયેલા તેજ પવનના કારણે વીજતંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. પવન શરૂ થતાંની સાથે જ આણંદના કેટલાક શહેરી વિસ્તારો અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો અચાનક ખોરવાઈ ગયો હતો. ગ્રામીણ વિસ્તારોમાં તો વહેલી સવાર સુધી વીજળી ન આવવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
