કચ્છમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા ગેરકાયદેસર હથિયારોના કારોબારનો સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે પર્દાફાશ કર્યો છે. ગાંધીનગર એસએમસીની ટીમને મળેલી ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે મુંદ્રા તાલુકાના નાના કપાયા ગામ પાસેથી પસાર થતા હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા સ્થાનિક બે શખ્સોને આંતરીને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

અત્યાધુનિક પિસ્તોલ અને કારતૂસ મળ્યા

પોલીસે જ્યારે મુંદ્રાના સ્થાનિક શખ્સો રમેશ ગઢવી અને કિશન સલાણીની તલાશી લીધી, ત્યારે તેમની પાસેથી ગેરકાયદેસર રાખેલી ૨ નંગ લોડેડ પિસ્તોલ 2 વધારાના મેગેઝીન અને 14 નંગ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. હાઈવે પર જાહેરમાં હથિયારોની ડિલિવરી લેવા કે આપવા માટે ઉભેલા આ બંને શખ્સો ગુનાહિત માનસ ધરાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે હથિયારો, 3 મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજસ્થાનનું નેટવર્ક અને લોકલ કનેક્શન

એસએમસીની પ્રાથમિક પૂછપરછમાં આ હથિયારો રાજસ્થાનથી સપ્લાય કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. આ કેસમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના કુખ્યાત હથિયાર તસ્કર ધનરાજ ચૌધરીનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે એક ટીમ રાજસ્થાન રવાના કરવામાં આવી છે. આ ઘાતક હથિયારો કચ્છમાં કોની સોપારી આપવા કે કઈ મોટી ગુનાહિત ઘટનાને અંજામ આપવા માટે મંગાવવામાં આવ્યા હતા, તે દિશામાં સ્થાનિક પોલીસ અને એસએમસી દ્વારા સંયુક્ત રીતે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: એક્સપ્રેસ હાઈવે પર ઉતિયદ્રા પાસે કાર બળીને ખાખ, તમામ મુસાફરો સુરક્ષિત