સુરત નજીક ઉતિયદ્રા પાસે એક કારમાં અચાનક આગ લાગવાની ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી. મુંબઈ તરફથી દિલ્હી તરફ જઈ રહેલી એક લક્ઝુરિયસ કારમાં ઉતિયદ્રા ગામની સીમ નજીક પહોંચતા જ કોઈ અગમ્ય ટેકનિકલ ખામી સર્જાઈ હતી. કારના બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવાનું શરૂ થતાં જ કાર ચાલકે સમયસૂચકતા વાપરીને ગાડી રોડની સાઈડમાં ઉભી રાખી દીધી હતી અને અંદર બેઠેલા તમામ લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા.

એક્સપ્રેસ હાઈવે પર કાર બની આગનો ગોળો

જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોએ આ ભયાનક દ્રશ્ય જોઈને પોતાના વાહનો થંભાવી દીધા હતા, જેના કારણે થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ હાઈવે સુરક્ષા અને મદદ માટે કાર્યરત ઇમરજન્સી હેલ્પલાઇન 112 ની ટીમ તાત્કાલિક લોકેશન પર પહોંચી ગઈ હતી. 

આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો 

ફાયર બ્રિગેડની ટીમ વોટર ટેન્કર સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ કારમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. જોકે, ત્યાં સુધીમાં કારનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર અધિકારીના જણાવ્યા અનુસાર, કારમાં કયા કારણોસર આગ લાગી તેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ આ શોર્ટ-સર્કિટ હોઈ શકે છે. 

આ પણ વાંચો:  Surat: વેસુમાં હાઈરાઈઝ બિલ્ડિંગના 11મા માળે લિફ્ટ ખોટકાઈ, ફસાયેલા બે લોકોને ફાયરના જવાનોએ ઉગાર્યા