વેસુ વિસ્તારમાં આવેલી બહુમાળી ઇમારતમાં લિફ્ટ ફેઇલ થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેસુની જાણીતી ‘વેડેન્જા બિલ્ડિંગ’ ના ૧૧મા માળેથી પસાર થઈ રહેલી લિફ્ટ અચાનક કોઈ ટેકનિકલ ખામી અથવા પાવર ફ્લકચ્યુએશનના કારણે અધવચ્ચે જ ખોટકાઈ ગઈ હતી. લિફ્ટ બંધ થઈ જવાને કારણે તેમાં સવાર બે વ્યક્તિઓ અંદર જ લોક થઈ ગયા હતા. ૧૧મા માળની ઊંચાઈ પર લિફ્ટ જામ થઈ જતાં બિલ્ડિંગના રહીશો અને મેનેજમેન્ટમાં ભારે ગભરાટ અને દોડધામનો માહોલ સર્જાયો હતો.
બંને નાગરિકોનો આબાદ બચાવ
લિફ્ટમાં ફસાયેલા લોકોએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લિફ્ટ ખોલવાના સ્થાનિક પ્રયાસો નિષ્ફળ રહેતા આખરે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને ઈમરજન્સી કોલ કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વેસુ ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમ અત્યાધુનિક સાધનો સાથે ગણતરીની મિનિટોમાં વેડેન્જા બિલ્ડિંગ ખાતે પહોંચી ગઈ હતી.
