રાજકોટ શહેરમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપારના ધંધા સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરી છે. સામાન્ય રીતે સ્પા સેન્ટરો સેકન્ડરી વિસ્તારોમાં હોવાના કિસ્સા બનતા હોય છે, પરંતુ આ વખતે આરોપીઓએ હિંમતની હદ વટાવીને શહેરના સૌથી ધમધમતા વિસ્તાર એવા સેન્ટ્રલ બસ પોર્ટના ઓફિસ-દુકાન કોમ્પ્લેક્સને જ પોતાનો અડ્ડો બનાવી લીધો હતો. બસ પોર્ટ કમ્પાઉન્ડની જ એક દુકાનમાં ચાલતા સ્પા સેન્ટર પર પોલીસે દરોડો પાડી દેહ વ્યાપારના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
તંત્રની નાકની નીચે ચાલતો ખેલ
સ્થાનિક રહીશો અને સૂત્રોના જણાવ્યા અનુસાર, હજારો મુસાફરોની અવરજવર ધરાવતા બસ પોર્ટ કોમ્પ્લેક્સમાં આ ગેરકાયદે કારોબાર છેલ્લા લાંબા સમયથી તંત્રની નાકની નીચે જ ચાલી રહ્યો હતો. પોલીસને પાકી બાતમી મળી હતી કે, આ સ્પામાં આયુર્વેદિક થેરાપી અને મસાજના નામે ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલીને અનૈતિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. બાતમીના આધારે પોલીસે પ્લાન બનાવીને ડમી ગ્રાહક મોકલ્યો હતો અને સિગ્નલ મળતા જ આખી ટીમે સ્પાની દુકાન ઘેરી લીધી હતી.
