સુરત શહેરમાં યુવાનોમાં વિદેશ જવાના ક્રેઝનો લાભ ઉઠાવી કરોડો રૂપિયા પડાવી લેતી ટોળકીઓ સક્રિય થઈ છે. શહેરના કાપોદ્રા પોલીસ મથકની હદમાં વિદેશ જવા ઈચ્છતા ૧૧ ગ્રાહકો સાથે રૂપિયા 1.17 કરોડની છેતરપિંડીની ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. આ હાઈપ્રોફાઈલ વિઝા કૌભાંડમાં અમદાવાદ અને લંડનમાં પોતાની ઓફિસો હોવાનો દાવો કરતો રવાણી પરિવાર મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો છે.

આવી રીતે આચરવામાં આવી છેતરપિંડી

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, સુરતના સ્થાનિક ફરિયાદી (જેઓ પોતે એજન્ટ અથવા કન્સલ્ટન્ટ હોઈ શકે છે) એ લંડન જવા ઈચ્છતા ૧૧ જેટલા ગ્રાહકોના વર્ક વિઝા અને સ્ટુડન્ટ વિઝાના કામ માટે રવાણી પરિવારનો સંપર્ક કર્યો હતો. રવાણી પરિવારે લંડન સેટલ કરાવી દેવાની મોટી-મોટી વાતો કરીને તમામ ગ્રાહકોના ફાઈલ ચાર્જ અને વિઝા પ્રોસેસિંગ ફી પેટે ટુકડે-ટુકડે કુલ રૂપિયા 1,17,00,000 (એક કરોડ સત્તર લાખ) પડાવી લીધા હતા.

ન વિઝા આપ્યા, ન નાણાં પરત કર્યા

રૂપિયા લીધાના મહિનાઓ વીતી જવા છતાં રવાણી પરિવાર દ્વારા ગ્રાહકોને કોઈ વિઝા આપવામાં આવ્યા ન હતા. જ્યારે ગ્રાહકો અને ફરિયાદીએ વિઝા પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબ અંગે પૂછપરછ કરી અને પોતાના નાણાં પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ નાણાં આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો અને પોતાની ઓફિસોને તાળાં મારી દીધા હતા. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ ભોગ બનનારે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. પોલીસે રવાણી પરિવાર સામે આયોજિત કાવતરું અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ અને આરોપીઓની અટકાયત માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Vadodara: મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે પ્રી-મોન્સૂન આફતમાં 2 ના કમકમાટીભર્યા મોત, 10 લોકો ઘાયલ