Diu: કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ટાંકીવાડી વિસ્તારમાં 25 વર્ષીય યુવતીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. એક યુવતી આજે સવારે પોતાના રૂમમાંથી નીચે ન આવતાં પરિવારજનો તેને જોવા માટે ઉપર ગયા હતા. જ્યાં યુવતી જમીન પર મૃત હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રેમ સંબંધને લઈને બન્ને પરિવાર વચ્ચે બોલાચાલી

મળતી માહિતી અનુસાર પરિવારજનોના જણાવ્યા મુજબ, યુવતી છેલ્લા આશરે ત્રણ વર્ષથી કાર્તિક નામના યુવક સાથે પ્રેમસંબંધમાં હતી. બંનેના સંબંધને લઈને અગાઉ બંને પરિવારો વચ્ચે અનેક વખત બોલાચાલી અને વિવાદ થયા હતા. આ મામલો અગાઉ પોલીસ સુધી પણ પહોંચ્યો હોવાનું પરિવારજનોનું કહેવું છે.

યુવતીને જાનથી મારી નાખવાની ધમકી

યુવતીના પરિવારજનોએ તેના પ્રેમી કાર્તિક પર શંકા વ્યક્ત કરી છે. પરિવારનો આક્ષેપ છે કે બંનેના લગ્નનો કાર્તિકના પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવતો હતો અને અગાઉ તેમના ઘરે આવીને ઝઘડો પણ કરવામાં આવ્યો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ, યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

કાયદેસરની કાર્યવાહી કરવાની માગ

જોકે, યુવતીના મોત બાદ પરિવારજનોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. હાલ યુવતીનું મોત હત્યા, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર થયું છે તે સ્પષ્ટ નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: Surat: જાહેરમાં કચરો ફેંકનારાઓની હવે ખેર નથી! આરોગ્ય વિભાગની ટીમે 50થી વધુ લોકોને ઝડપ્યા