Surat: સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર રોડ પર કચરો ફેંકનારા સામે લાલ આંખ કરવામાં આવી છે. સુરત પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કચરો ફેંકનારા લોકોને ઝડપી પાડ્યા છે તેમજ માફી મંગાવી દંડ પણ વસૂલ્યો છે.
50થી વધુ લોકો ઝડપાયા
મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં જાહેર સ્થળોએ કચરો ફેંકતા લોકો સામે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરાના બમરોલી ખાડી પાસે મનપાની અચાનક ડ્રાઇવ દરમિયાન જાહેરમાં કચરો ફેંકતા 50થી વધુ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. મનપાની ટીમે જાહેર માર્ગ તેમજ ખાડી કિનારે કચરાની થેલીઓ ફેંકતા લોકો સામે કાર્યવાહી કરી હતી. સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન પાલિકાની ટીમે કુલ ₹1,800નો દંડ વસૂલ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મહિલાએ હાથ જોડી માફી માગી
નોંધનીય છે કે, મનપાની અચાનક કાર્યવાહીથી કચરો ફેંકવા આવેલા લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. કેટલાક લોકો પાલિકાની ટીમને જોઈને સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા. જોકે, આ દરમિયાન પકડાયેલી એક મહિલાએ હાથ જોડીને માફી માંગી હતી અને હવે પછી જાહેરમાં કચરો નહીં ફેંકવાની ખાતરી આપી હતી. મહિલાએ હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારી હતી.
મહત્વનું છે કે સુરત શહેરમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં કેટલાક લોકો દ્વારા જાહેર માર્ગો, ખાડીના કિનારા અને અન્ય જાહેર સ્થળોએ કચરો ફેંકીને ગંદકી ફેલાવવામાં આવી રહી છે. આવા લોકો સામે મનપા દ્વારા આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Vadodara: 'તારામાં ડાકણ છે...' આવું કહી નફ્ફટ તાંત્રિકના યુવતી સાથે અડપલાં, આપઘાતના 6 મહિના બાદ મોટો ખુલાસો