ગાંધીનગરમાં સગીરાના અપહરણની એક ગંભીર ઘટના સામે આવી છે. ગાંધીનગરના કોબા વિસ્તારમાં આવેલા છાપરામાંથી એક 15 વર્ષીય સગીર વયની કિશોરી અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં પુત્રીનો કોઈ પત્તો ન મળતાં આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

ચાની લારી ચલાવતા શખ્સે કર્યું અપહરણ

પ્રાથમિક વિગતો અનુસાર, વિસ્તારમાં જ ચાની લારી ચલાવતા એક શખ્સ દ્વારા આ સગીરાને લાલચ-લોભામણી વાતોમાં ભોળવીને તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. સગીરાના પિતાને શંકા જતાં તેમણે આ શંકાસ્પદ ચાવાળા શખ્સ સામે જ પુત્રીને બળજબરીથી અથવા ફોસલાવીને અપહરણ કરી જવાનો આક્ષેપ કર્યો છે.

ઇન્ફોસિટી પોલીસ મથકે ગુનો દાખલ

આ બનાવ અંગે પીડિત કિશોરીના પિતાની ફરિયાદના આધારે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે અપહરણનો ગુનો નોંધીને સગીરાની વહેલામાં વહેલી તકે શોધખોળ કરવા તેમજ આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Jamnagarમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ, ધ્રોલના 3 વર્ષના માસૂમ બાળકનું મોત