જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ સત્તાવાર પોઝિટિવ કેસ સામે આવતા ભારે અફરાતફરી સર્જાઈ છે. ધ્રોલ તાલુકાના રાજપરા ગામના ત્રણ વર્ષના માસૂમ બાળકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. બાળકના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
12 શંકાસ્પદ કેસમાંથી 10 નેગેટિવ અને 1 પોઝિટિવ
જીજી હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા એકંદરે 12 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 11 દર્દીઓના રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 10 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ અને 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે હજુ 1 શંકાસ્પદ દર્દીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. નોંધનીય છે કે કુલ 12 શંકાસ્પદ દર્દીઓમાંથી અત્યાર સુધી 8 માસૂમ બાળકોના મોત થયા છે, જેમાં પોઝિટિવ આવેલા બાળક સિવાય અન્ય મૃત્યુ પામેલા 7 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
