દેશભરમાં ઓનલાઈન આઈડેન્ટિટિ થેફ્ટ ડેટા પાસવર્ડની ચોરી અને બોગસ દસ્તાવેજોના આધારે આર્થિક ષડયંત્ર રચતી ગેંગ સામે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે લાલ આંખ કરીને મોટો સપાટો બોલાવ્યો છે.સાયબર પોલીસે અલગ-અલગ બે ગુનામાં કુલ 3 સાયબર ઠગોની ધરપકડ કરી છે.આ આરોપીઓ પાસેથી મોટી માત્રામાં ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.પ્રથમ ગુનામાં સાયબર પોલીસે ખોટી ઓળખ ઊભી કરી ધાર્મિક સ્થળોના નામે છેતરપિંડી આચરતા બે મુખ્ય સાયબર ઠગોની ધરપકડ કરી છે.આ શાતિર ઠગોએ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશના વિવિધ પ્રખ્યાત ધર્મસ્થળોની ૧૨૬ જેટલી ફેક વેબસાઇટ્સ બનાવી હતી.
70 વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે
આ બોગસ પોર્ટલના માધ્યમથી આરોપીઓએ દેશના 21985 નિર્દોષ નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે.આ ગેંગ સામે દેશભરમાં અત્યાર સુધીમાં 70 વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે.આ કૌભાંડમાં સૌથી વધુ ભોગ ગુજરાતના શ્રદ્ધાળુઓ બન્યા છે કારણ કે 126 વેબસાઇટ્સમાંથી 40 વેબસાઇટ ગુજરાતના યાત્રાધામોની હતી.જેમાં સાળંગપુરની 8,જ્યારે સોમનાથ, દ્વારકા, પાલીતાણા, જૂનાગઢ અને ગાંધીનગર જેવા ધાર્મિક સ્થળોની નકલી વેબસાઇટનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીઓમાં કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વિકી ગુપ્તા છે જેણે કોમ્પ્યુટર સાયન્સમાં B.Tech કરેલું છે. તે દિલ્હી સ્થિત પોતાના ઘરેથી જ આ તમામ વેબસાઇટોનું સંચાલન કરતો હતો.
