સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા મ્યુલ હંટ 2.0 અંતર્ગત મોટી કાર્યવાહી કરીને ઠગાઈ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગના 5 શખસોને ઝડપી પાડવામાં આવ્યા છે. નેપાળથી દિલ્હી સુધી ફેલાયેલા આ આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરતા જાણવા મળ્યું છે કે,આરોપીઓએ મેટ્રિમોનિયલ સાઇટ્સ પર નકલી પ્રોફાઇલ્સ બનાવીને લોકોને ફસાવવાની મોડસ ઓપરેન્ડી અપનાવી હતી.આ ગેંગે પીડિતોને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવા લલચાવી શરૂઆતમાં 50 હજારનું રોકાણ કરાવ્યું હતું અને ત્યારબાદ વિવિધ બહાના હેઠળ કુલ 2.30 કરોડ જેવી માતબર રકમ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી.
2.30 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા
આરોપીઓએ Jigyasha Kapoor નામે Dilsafar એપ્લિકેશન દ્વારા ફરિયાદીનો સંપર્ક કર્યો હતો.શરૂઆતમાં ટ્રેડિંગમાં નફો બતાવી ફરિયાદીનો વિશ્વાસ જીત્યા બાદ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 2.30 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.ત્યારબાદ ટ્રેડિંગ વેબપેજ લોક થઈ ગયું હોવાનું જણાવી તેને અનલોક કરવાના બહાને વધુ પૈસા પડાવ્યા હતા અને અંતે કોઈ રકમ પરત ન કરી છેતરપિંડી આચરી હતી.આરોપીઓ એકાઉન્ટ લોક થઈ જવાનું બહાનું કાઢી પીડિતો પાસેથી વધુ નાણાંની માંગણી પણ કરતા હતા.













