ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા તાજેતરમાં પર્દાફાશ કરાયેલા 226 કરોડના આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ કેસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.ડાર્ક વેબ પર ચાલતા ડ્રગ્સ નેટવર્કની સામાન્ય તપાસથી શરૂ થયેલી ગુજરાત પોલીસની આ ટેક્નિકલ મિશન આખરે અમદાવાદથી લઈને સીધી યુકે સુધી ફેલાયેલા આતંકી ભંડોળના મસમોટા રેકેટ સુધી પહોંચી ગઈ છે.આ આખા ખેલનો મુખ્ય સૂત્રધાર સલમાન નામનો આરોપી છે જે હાલમાં UKની જેલમાં બંધ છે.સલમાન ત્યાંની જેલમાંથી જ હવાલા અને આંગડિયા મારફતે ભારતમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો. આ કેસમાં હવે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી ડો.રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, આ કેસમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શબ્બીર હુસૈનની પોલીસે ધરપકડ કરી લીધી છે. તે ડર્ટી ક્રિપ્ટો કરન્સીને રોકડમાં બદલતો હતો. આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ પર તે નકલી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો. કુરિયર મારફતે તે આ ડ્રગ્સને યુકે મોકલતો હતો. તે સહ આરોપી મોહસીન સાથે મળીને ગુનો આચરતો હતો. આ નેટવર્ક અમદાવાદથી લઈને છેક યુકે સુધી ફેલાયેલું છે. તે યુકેમાં ડ્રગ્સના ગ્રાહકોની શોધખોળ પણ કરતો હતો. યુકેમાં રહેતા સલમાન અંસારીને ડ્રગ્સનો સપ્લાય મોકલતો હતો.













