ટેકનોલોજીના દુરુપયોગ દ્વારા દેશના આર્થિક તંત્રને ખોખલું કરતી આંતરરાષ્ટ્રીય કક્ષાની સાયબર ગેંગને પકડી પાડવામાં સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને બહુ મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે. કેન્દ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર નોંધાયેલી સેંકડો ફરિયાદોના ડેટા એનાલિસિસના આધારે, સુરત પોલીસે સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ સાથે મળીને 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' લોન્ચ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ પોલીસે સુરતના હબ ગણાતા મોટા વરાછા અને જહાંગીરપુરા વિસ્તારમાં કાર્યરત શંકાસ્પદ કોલ સેન્ટરો અને ઓફિસો પર એકસાથે ત્રાટકીને 7 રીઢા સાયબર ઠગોને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસની આ રેઇડમાં કૌભાંડમાં વપરાતા 13 અત્યાધુનિક મોબાઇલ ફોન, અસંખ્ય સિમકાર્ડ, બેંક પાસબુક અને ડેબિટ કાર્ડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

મોડસ ઓપરેન્ડી અને બેંક એકાઉન્ટ્સનું નેટવર્ક

ધરપકડ કરાયેલા આરોપીઓની આકરી પૂછપરછમાં જે વિગતો બહાર આવી છે તેનાથી ખુદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. આ ગેંગ સામાન્ય લોકોને સોશિયલ મીડિયા લિંક્સ, ટેલિગ્રામ ચેનલો અને નકલી એપ્લિકેશનો દ્વારા ઘેરબેઠા ઓનલાઇન ટ્રેડિંગ, ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ અને ઊંચા વળતર વાળી યુપીઆઈ (UPI) ટાસ્ક ગેમ્સની લાલચ આપતી હતી. લોકો એકવાર વિશ્વાસ કરીને નાણાં ટ્રાન્સફર કરે એટલે તે રકમ ગેંગ દ્વારા અલગ-અલગ બેંકોમાં ખોલવામાં આવેલા 18 શેલ (બોગસ/મ્યુલ) એકાઉન્ટ્સમાં ડાયવર્ટ કરી દેવામાં આવતી હતી. આ 18 ખાતાઓનો ઉપયોગ કરીને ગેંગે ટૂંકા ગાળામાં 116 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય ટ્રાન્ઝેક્શનો કર્યા હતા. દેશના ૨૧ અલગ-અલગ રાજ્યોની પોલીસે આ ગેંગ વિરુદ્ધ અગાઉથી જ 145 જેટલા સાયબર ગુનાઓ નોંધી રાખ્યા હતા, જે તમામનો ભેદ હવે સુરત પોલીસે ઉકેલી નાખ્યો છે.

દુબઈ હવાલા કનેક્શન અને આગળની તપાસ

સુરત સાયબર સેલની તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે ભારતના નાગરિકો પાસેથી લૂંટેલા આ કરોડો રૂપિયા ભારતમાં રાખવાને બદલે ખૂબ જ શાતિરતાથી વિદેશ મોકલી દેવાતા હતા. આરોપીઓ શેલ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને સ્થાનિક આંગડિયા નેટવર્કનો ઉપયોગ કરતા હતા અને આંગડિયા મારફતે આ નાણાં દુબઈ ખાતે બેઠેલા આ રૅકેટના મુખ્ય સૂત્રધારોને કમિશન કાપીને હવાલા રૂટથી ટ્રાન્સફર કરી દેતા હતા. આ કૌભાંડમાં દુબઈ સ્થિત કયા મોટા ગજાના માફિયાઓ સામેલ છે અને કઈ-કઈ આંગડિયા પેઢીઓએ આ દેશદ્રોહ સમાન કૃત્યમાં મદદ કરી છે, તે દિશામાં સુરત પોલીસે ઈડી (ED) અને અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓ સાથે સંકલન સાધીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: રસ્તા પરથી પાણી ઓસર્યા પણ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટ હજુ પણ પાણીમાં ડૂબેલા, વેપારીઓને ભારે આર્થિક નુકસાન