ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામમાં પશુપાલકોના પશુઓની ચોરી કરતી કોઈ કુખ્યાત ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. શિયાળાની ઠંડીની શરૂઆતની સાથે જ ગામમાં પશુ ચોરીની ઘટનાઓ વધતા પશુપાલકો અને ખેડૂતોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે. તસ્કરો બેફામ બનીને રાત્રિના સમયે વાહનો લઈને ગામમાં આવે છે, અને પશુઓને નિશાન બનાવીને ફરાર થઈ જાય છે.

એક જ પશુપાલકને ત્યાં વારંવાર તસ્કરોનો હાથફેરો

મળતી માહિતી મુજબ, ગામના પશુપાલક રોહિતસિંહ રાઠોડના ઘરે ગત ઓગસ્ટ માસમાં 3 ભેંસોની ચોરી થઈ હતી. હજુ તે બનાવની કળ વળી નથી ત્યાં જ ગત રાત્રે ફરીથી તે જ પશુપાલકના ઘરેથી વધુ બે ભેંસો તસ્કરો ઉઠાવી ગયા હતા. માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં એક જ પરિવારની કુલ 5 ભેંસો ચોરાઈ જવાથી પશુપાલક અત્યંત દયનીય અને આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત, ગત રાત્રે ગામના અન્ય એક પશુપાલકનું પશુ પણ ચોરાતા કુલ 3 પશુઓ રાત્રે જ ગાયબ થયા હતા.

Gandhinagar News: Cattle Rustling Gang Active in Dehgam, 5 Animals Stolen

પોલીસે નોંધી ફરિયાદ, વાહનોની અવરજવર પર શંકા

પશુઓની ચોરી કરવા માટે તસ્કરો બે-બે વાહનો લઈને આવ્યા હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે ભોગ બનનારા પશુપાલક રોહિતસિંહ રાઠોડ દ્વારા રૂ. 90,000 ની કિંમતના 3 પશુઓની ચોરી અંગે દહેગામ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ અને વાહનોના નાકાબંધીના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: Gandhinagar: હવે કોઈ પણ ખાનગી વાહન પર જાતિસૂચક શબ્દો કે ચિહ્નો નહીં લખી શકાય, બંદરો અને વાહન વ્યવહાર વિભાગે નવા સુધારા નિયમો જાહેર કર્યા