ગુજરાતમાં ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો લખીને કે ચિહ્નો પ્રદર્શિત કરીને જાતિગત ઓળખનું પ્રદર્શન કરવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર કે બસ અથવા ટ્રક સહિત તમામ પ્રકારના ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, જાતિ દર્શાવતા સંકેતો, આકૃતિઓ કે લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. આ માટે રાજ્ય સરકારે ગુજરાત મોટર વાહન નિયમો, 1989માં સુધારો કરીને આ અંગે સ્પષ્ટ કાયદાકીય જોગવાઈ અમલમાં મૂકી છે.
ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગે ગત 17 નવેમ્બર, 2026ના રોજ ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કર્યા છે. આ સુધારા હેઠળ કરવામાં આવેલી મુખ્ય જોગવાઈઓ.નિયમ 125ના પેટાનિયમ (1)માં ‘No advertising device, figure’ શબ્દોની જગ્યાએ ‘No advertising device, caste signage, figure’ શબ્દો ઉમેરવામાં આવ્યા છે. એટલે કે, વાહનો પર જાહેરાતનાં ઉપકરણો અને આકૃતિઓ અંગેની જોગવાઈમાં હવે જાતિ દર્શાવતા સંકેતોનો પણ સ્પષ્ટ સમાવેશ કરવામાં આવ્યો છે. નિયમ 138માં પેટાનિયમ (2) પછી નવો પેટાનિયમ (3) ઉમેરવામાં આવ્યો છે. આ નવી જોગવાઈ મુજબ, રાજ્ય સરકાર દ્વારા સામાન્ય અથવા વિશેષ હુકમથી મંજૂરી આપવામાં આવી હોય તેવા અપવાદ સિવાય કોઈપણ ખાનગી વાહન પર જાહેરાતનું ઉપકરણ, જાતિ દર્શાવતું ચિહ્ન, આકૃતિ કે કોઈપણ પ્રકારનું લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં.
