દેશના મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં આજે એક અત્યંત મહત્વપૂર્ણ પડાવ પાર કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કા અંતર્ગત સુરતથી બિલીમોરા વચ્ચેના 50 કિલોમીટરના માર્ગ પર 25,000 વોલ્ટ (25 kV) વીજળીનો પુરવઠો સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા આસપાસના વિસ્તારના રહીશો અને નાગરિકો માટે ખાસ સુરક્ષા ચેતવણી જાહેર કરવામાં આવી છે.

50 કિમીના માર્ગ પર 25 હજાર વોલ્ટનો હાઈ-ટેન્શન કરંટ શરૂ

મળતી વિગતો અનુસાર, બુલેટ ટ્રેનના ટ્રાયલ રન અને આગામી કામગીરીને વેગ આપવા માટે સુરત અને બિલીમોરા વચ્ચે તૈયાર થયેલા 50 કિલોમીટર લાંબા વાયડક્ટ અને ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન (OHE) લાઇનમાં 25 હજાર વોલ્ટ વીજળીનો કરંટ પ્રવાહિત કરવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ એક મોટી ટેકનિકલ સફળતા માનવામાં આવી રહી છે.

NHSRCL દ્વારા જાહેર કરાઈ સુરક્ષા ચેતવણી

50 કિલોમીટરના સમગ્ર રૂટ પર 25 હજાર વોલ્ટનો અત્યંત જોખમી વીજ પુરવઠો કાર્યરત થઈ ગયો હોવાથી NHSRCL દ્વારા સુરક્ષાના ભાગરૂપે જાહેર જનતાને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સુરતથી બિલીમોરા વચ્ચેના બુલેટ ટ્રેન કોરિડોરની આસપાસ રહેતા લોકો, ખેડૂતો અને કામદારોને વીજ લાઇન, થાંભલા કે ટ્રેકની નજીક ન જવા અને કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવવા માટે ખાસ સુરક્ષા ચેતવણી જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતના ખેડૂતો પર 'અલનીનો'ની અસર; રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5.45 ટકા શિયાળુ વાવેતર