ગુજરાતનું પાટનગર ગાંધીનગર હવે રહેણાંક વિસ્તારોમાં ધમધમતા પીજીના ગેરકાયદે દૂષણ અને તેના કારણે ઉભા થતા વિવાદોને લઈને ચર્ચામાં આવ્યું છે. પ્રદેશ ભાજપ કાર્યાલય 'કમલમ'ને અડીને આવેલી અક્ષર પાર્ક સોસાયટીમાં પીજી ચલાવવામાં આવી રહ્યું હતું, જેનો વિરોધ કરવા પર માથાભારે પીજી સંચાલકોએ સોસાયટીના આગેવાન પર હુમલો કરી દીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનારે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

અગાઉની અરજીની દાજ રાખી જ્વેલર્સમાં જઈને માર માર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, અક્ષર પાર્ક સોસાયટીના રહીશોએ અગાઉ સોસાયટીમાં ગેરકાયદેસર રીતે ચાલતા પીજી ખાલી કરવા માટે અપીલ કરી હતી અને આ બાબતે પોલીસમાં અરજી પણ આપવામાં આવી હતી. આ પોલીસ અરજીની અદાવત રાખીને પીજી સંચાલક મીત બોખીરિયા અને તેના માણસોએ વિપુલભાઈ પટેલ પર તેમની જ્વેલર્સની દુકાનમાં જઈને જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં હુમલાના દ્રશ્યો સ્પષ્ટ નજરે પડે છે. આ કેસમાં પોલીસે મીત રામભાઈ બોખીરીયા, રામભાઈ બોખીરીયા અને શંકરભાઈ કનોજીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા અને શાંતિ જોખમાઈ

સોસાયટીના અન્ય લોકોનું કહેવું છે કે, રહેણાંક વિસ્તારોમાં પીજીનું આ દૂષણ હવે અસહ્ય બની ગયું છે. સોસાયટીમાં વડીલો એકલા રહે છે અને કેટલાક ઘરોમાં નાના બાળકો પણ છે. મોડી રાત સુધી અજાણ્યા યુવક-યુવતીઓની અવર-જવર રહેતી હોવાને કારણે અને કોઈ રોકટોક ન હોવાના કારણે સ્થાનિકોના દૈનિક જીવન પર ભારે માઠી અસર પડી રહી છે. સ્થાનિક મહિલાઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકારી નિયમો હોવા છતાં વહીવટી તંત્ર આ બાબતે યોગ્ય કામગીરી કરતું નથી.

ગાંધીનગર વસાહત મંડળની કડક કાર્યવાહીની માગ

આ સમગ્ર ઘટના બાદ ગાંધીનગર વસાહત મંડળના આગેવાનોએ મેદાને આવીને આખા શહેરમાંથી આ દૂષણ ડામી દેવાની ઉગ્ર માગ કરી છે. આગેવાનોના જણાવ્યા મુજબ, સરકારે રહેવા માટે પ્લોટ ફાળવ્યા છે, પરંતુ કેટલાક લોકો રહેણાંક મકાનોનો કોમર્શિયલ ઉપયોગ કરી રહ્યા છે, જે બિલકુલ ગેરવ્યાજબી છે. આ અંગે કોર્પોરેશન અને પોલીસને અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે. મોડી રાત સુધી ચાલતી અનિયમિત પ્રવૃત્તિઓ અને જવાબદારીના અભાવે અવારનવાર ઝઘડાઓ અને મારામારીના બનાવો બની રહ્યા છે.

સરકારના સ્પષ્ટ નીતિ-નિયમોની આવશ્યકતા

ગાંધીનગર જ નહીં પરંતુ રાજ્યના અન્ય શહેરોમાં પણ પીજી સંચાલન માટે કોઈ ચોક્કસ અને કડક નીતિ-નિયમો ન હોવાના કારણે આવી અરાજકતા ફેલાઈ રહી છે. સામાન્ય નાગરિકોની સ્પષ્ટ માગ છે કે, સરકારે કોમર્શિયલ પ્રવૃત્તિઓ કે પીજી ચલાવવા માટે અલગથી વ્યવસ્થા કે કોઈ ચોક્કસ ઝોનનું આયોજન કરવું જોઈએ, જેથી સામાન્ય પરિવારના લોકો શાંતિપૂર્ણ જીવન જીવી શકે. 


 આ પણ વાંચો  :    PM Modi : પીએમ મોદીનું સંબોધન: ‘દિમાગી નક્સલ’ના ખતરાથી એલર્ટ રહેવાની જરૂર