ગાંધીનગરમાં વાસણ ધોવા માટેનું લિક્વિડ વેચવાના બહાને ઘરમાં ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. શહેરમાં આ પ્રકારનું લિક્વિડ વેચવાના બહાને વૃદ્ધોને છેતરી સોનાના દાગીનાની લૂંટ કરતી આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપીઓની લોકલ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને પાસા હેઠળ ભુજની જેલમાં ધકેલી દઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરમાં વૃદ્ધોને છેતરીને તેમની પાસેથી સોનાની લૂંટ કરતી ગેંગ સામે કાર્યવાહી કરવા પોલીસ વડાએ સૂચના આપી હતી. આ સૂચનાના આધારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વાસણ ધોવાના લિક્વિડને વેચવાના બહાને જૂના વાસણો લેતા હતા અને આ લિક્વિડથી ધોઈને ચકાચક કરી દેતા હતાં. જેનાથી સામે વાળો વ્યક્તિ તેમના વિશ્વાસમાં આવી જતો હતો. આ વ્યક્તિને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સોનાના દાગીના પણ ચમકદાર કરી આપવાની લાલચ આપતા હતાં.

આરોપીઓને ભૂજની જેલ ખાતે ધકેલી દેવાયા

તેઓ વૃદ્ધને નિશાન બનાવતા હતાં અને તેમની પાસેથી સોનાના દાગીના સાફ કરવાના બહાને લેતા હતાં. ત્યાર બાદ પોતાની પાસે રહેલા લિક્વિડથી આ દાગીના ઓગાળીને તેમાંથી સોનું ચોરી લેતા હતાં. આ પ્રવાહીને તેઓ અન્ય રાજ્યમાં જઈને વેચી દેતા હતાં. આ આરોપીઓ સામે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. જેમાં ત્રણ શખ્સોની પાસા હેઠળ અટકાયત કરી તેમને ભૂજની જેલ ખાતે ધકેલી દેવાયા હતાં.


  • Follow us on: